અમદાવાદ : વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં દેશમાં ટેબ્લેટ પીસીના વેચાણમાં ૩૨.૩ ટકાનો મોટો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન, દેશમાં ફક્ત ૨૧.૫ લાખ ટેબ્લેટ વેચાયા હતા.
ટેબ્લેટ માર્કેટના મંદ માહોલ માટે મોટી સાઈઝના અદ્યતન સ્માર્ટફોનનો વધતો ક્રેઝ અને સરકારી સ્કીમોના ફિક્કા પ્રતિસાદ જવાબદાર છે.
માર્કેટ રિસર્ચ ફર્મ આઈડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા એક અનુસાર આ ઘટાડાનું સૌથી મોટું કારણ સરકાર દ્વારા ચલાવવામાં આવતી કેટલીક યોજનાઓમાં ઘટાડો છે. આ સ્કીમોમાં અગાઉ શાળાઓ અને ઓફિસો માટે મોટા પ્રમાણમાં ટેબ્લેટ ખરીદવામાં આવતા હતા. રિપોર્ટ અનુસાર બજારમાં ઘટાડો થયો હોવા છતાં સેમસંગ હજુ પણ સૌથી વધુ વેચાણ કરે છે અને ૪૧.૩ ટકા બજાર હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ લેનોવો ૧૨.૩ ટકા સાથે બીજા અને ત્રીજા સ્થાને એપલ ૧૧.૮ ટકા હિસ્સા સાથે છે.
આઈડીસી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ભારતમાં કુલ ૨૧.૫ લાખ ટેબ્લેટ વેચાયા હતા. તેમાંથી ડિટેચેબલ (કીબોર્ડથી અલગ થતા)ના વેચાણમાં ૧૮.૯ ટકાનો અને સ્લેટ (સામાન્ય ટેબ્લેટ)ના વેચાણમાં ૪૪.૪ ટકાનો ઘટાડો થયો છે.
જોકે સેમસંગે કોમર્શિયલ એટલે કે સરકારી અને ઓફિસ ઉપયોગ માટે અને સ્થાનિક બજારો બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બીજા ક્વાર્ટરમાં સેમસંગનો કુલ બજાર હિસ્સો ૪૦.૮ ટકા હતો.