અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી જોવાઈ રહેલી ઈન્શ્યોરન્સ સેક્ટરમાં જીએસટી ફેરફારની ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે. અહેવાલ અનુસાર આગામી જીએસટી કાઉન્સિલ બેઠકમાં આરોગ્ય અને જીવન ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટીમાં મોટો ઘટાડો થઈ શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દા પર રચાયેલ મંત્રીઓના જૂથ ૫ ટકા જીએસટીની ભલામણ કરી છે. હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પરનો જીએસટી સંપૂર્ણપણે દૂર થવાની અપેક્ષા નથી. મંત્રીઓના જૂથમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટની સાથે ૫ ટકા જીએસટી પર સર્વસંમતિ થઈ શકે છે.
આઈઆરડીઆઈએના અહેવાલ પછી, મંત્રીઓનું જૂથ આ મુદ્દા પર ફેરવિચારણા કરી રહ્યું છે. વીમા કંપનીઓ ૧૨ ટકા જીએસટીની માંગ કરી રહી છે. જો જીએસટી માફ કરવામાં આવે તો પ્રીમિયમમાં વધારો થવાની કંપનીઓએ આશંકા વ્યક્ત કરી હતી.
આરોગ્ય અને ટર્મ વીમા પર શૂન્ય જીએસટીના કારણે સરકારને વાર્ષિક રૂ. ૩૫૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે. જીઓએમની આગામી બેઠક એપ્રિલમાં યોજાશે. જીએસટી કાઉન્સિલની બેઠક મે મહિનામાં શક્ય છે.
ગુ્રપ ઓફ મિનિસ્ટરના પહેલા રિપોર્ટમાં વરિષ્ઠ નાગરિકોને અને ૫ લાખ રૂપિયા સુધીના આરોગ્ય વીમા પર જીએસટી ન લગાવવાની ભલામણ કરી હતી. લાઈફ અને ટર્મ પ્લાનના પ્રીમિયમ પર જીએસટી માફ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી.
જોકે વીમા કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટની સાથે ૧૨ ટકા જીએસટીની માંગ કરી રહી છે.