મુંબઈ : ભારતના પ્રથમ ત્રિમાસિકના જીડીપી-આર્થિક વૃદ્વિના આંકડા અપેક્ષાથી સારા ૭.૮ ટકા જાહેર થવા છતાં અમેરિકાના ભારત પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરાતાં અને આ મામલે હજુ બન્ને દેશો વાટાઘાટના ટેબલ પર આવવા તૈયાર નહીં હોઈ ભારતીય ઉદ્યોગોની હાલત કફોડી બનવાના એંધાણે કંપનીઓની નફાશક્તિ પર ભીંસ વધવાની શકયતાએ શેરોમાં ફંડો, મહારથીઓએ સતત તેજીનો વેપાર હળવો કર્યો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે આજે વેચવાલીનું દબાણ વધ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ છેલ્લા પાંચ મહિનાનો સાપ્તાહિક સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જિયોનું ૨૦૨૬ના પ્રથમ અર્ધવાર્ષિકમાં લિસ્ટિંગ કરાવવાની અને એઆઈ ક્ષેત્રે મોટાપાયે ઝંપલાવવાની વિવિધ યોજનાઓ જાહેર કર્યા છતાં શેરમાં વેચવાલી અને ઓટોમોબાઈલ શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સાથે આઈટી, બેંકિંગ શેરોમાં ફંડોએ વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સે ૮૦૦૦૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૭૯૭૪૧.૭૬ સુધી ખાબકી અંતે ૨૭૦.૯૨ પોઈન્ટ ઘટીને ૭૯૮૦૯.૬૫ અને નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૪૪૦૪.૭૦ સુધી આવી અંતે ૭૪.૦૫ પોઈન્ટ ઘટીને ૨૪૪૨૬.૮૫ બંધ રહ્યા હતા. એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે આજે પસંદગીનું આકર્ષણ રહ્યા સાથે વેચવાલી ધીમી પડી હતી. છેલ્લા એક સપ્તાહમાં સેન્સેક્સમાં ૧૪૯૭.૨૦ પોઈન્ટનું ગાબડું પડયું છે. સેન્સેક્સ ૨૨, ઓગસ્ટ ૨૦૨૫ના ૮૧૩૦૬.૮૫ની સપાટીએ હતો.
ઓટો ઈન્ડેક્સ ૪૭૩ પોઈન્ટ તૂટયો : મહિન્દ્રા રૂ.૯૭ તૂટી રૂ.૩૧૯૮ : ભારત ફોર્જ, ટાટા મોટર્સ ઘટયા
ચોમાસાની સારી પ્રગતિ અને તહેવારોની સીઝન છતાં એક તરફ અમેરિકી ટેરિફ અને બીજી તરફ જીએસટીમાં ઘટાડો થવાની રાહમાં વાહનોની ખરીદી મંદ રહેતાં ફંડોએ ઓટો શેરોમાં સતત હળવા થવાનું પસંદ કર્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૭.૫૦ ઘટીને રૂ.૩૧૯૮.૧૫, અશોક લેલેન્ડ રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૨૭.૦૫, ભારત ફોર્જ રૂ.૧૯.૪૦ ઘટીને રૂ.૧૧૦૫.૫૦, ઉનો મિન્ડા રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૧૨૭૯, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૪૦ ઘટીને રૂ.૨૨૯૫, ટાટા મોટર્સ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૬૬૮.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૭૩.૧૩ પોઈન્ટ ઘટીને ૫૫૯૫૯.૮૫ બંધ રહ્યો હતો.
સોફ્ટવેર શેરોમાં સતત વેચવાલી : આઈટી-ક્વિક હિલ, ઈન્ફોસીસ, ઈન્ફોબિન, કેસોલ્વસ, આઈકેએસ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં અમેરિકામાં વધતાં અંકુશોને લઈ આઈટી કંપનીઓ માટે બિઝનેસ પડકારો વધવાના સંકેતે ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. ઈન્ફોબિન રૂ.૨૮.૪૦ તૂટીને રૂ.૬૧૩.૪૦, ક્વિક હિલ રૂ.૭.૮૦ ઘટીને રૂ.૨૮૫, કેસોલ્વસ રૂ.૮.૨૫ ઘટીને રૂ.૩૧૫.૦૫, મેક્લિઓડ રૂ.૧.૭૩ ઘટીને રૂ.૭૯.૩૫, આઈકેએસ રૂ.૩૨.૪૦ ઘટીને રૂ.૧૫૧૫.૫૦, ઈન્ફોસીસ રૂ.૩૦.૬૦ ઘટીને રૂ.૧૪૬૯.૪૫, ન્યુજેન રૂ.૧૮.૪૦ ઘટીને રૂ.૮૮૪, ટાટા એલેક્સી રૂ.૧૦૭.૯૫ ઘટીને રૂ.૫૨૩૨.૫૦, એમ્ફેસીસ રૂ.૫૩ ઘટીને રૂ.૨૭૮૧.૫૦, ૬૩ મૂન્સ રૂ.૧૫.૬૫ ઘટીને રૂ.૯૦૪.૦૫, નેલ્કો રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૮૦૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૯.૮૫ ઘટીને રૂ.૭૬૮.૫૦, રામકો સિસ્ટમ્સ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૪૨૦.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૨૭.૬૪ પોઈન્ટ ઘટીને ૩૪૪૩૭.૩૨ બંધ રહ્યો હતો.
ઓઈલ શેરોમાં રિલાયન્સ પાછળ વેચવાલી : રિલાયન્સ રૂ.૩૧ ઘટયો : આઈઓસી, એચપીસીએલ ઘટયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૮મી એજીએમમાં સીએમડી મુકેશ અંબાણીએ કંપનીના ટેલીકોમ એકમ જિયોનું ૨૦૨૬ના પ્રથમ છમાસિકમાં લિસ્ટિંગ કરાવવાની યોજના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ ક્ષેત્રે મેટા સાથે સહયોગ વિસ્તારવાનું ગુગલ ક્લાઉડ સાથે પણ મેગા ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રકચર જામનગર સંકુલ ખાતે સ્થાપવા સહિતની યોજના જાહેર કર્યા છતાં શેરમાં વેચવાલીએ રૂ.૩૦.૬૦ ઘટીને રૂ.૧૩૫૭.૦૫ રહ્યો હતો. આઈઓસી રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૩૬.૬૫, એચપીસીએલ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૩૭૬.૫૦, બીપીસીએલ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૩૦૮.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૯૭.૩૪ પોઈન્ટ ઘટીને ૨૫૫૪૦ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં નરમાઈ : જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ, લોઈડ્સ મેટલ, અદાણી એન્ટર. ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ સતત વેચવાલી કરી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૬.૩૦ ઘટીને રૂ.૭૬૩.૧૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૯૪૮, લોઈડ્સ મેટલ રૂ.૧૮.૮૦ ઘટીને રૂ.૧૨૮૯.૪૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૯.૪૦ ઘટીને રૂ.૨૨૪૪.૩૫, વેદાનતા રૂ.૩.૯૦ ઘટીને રૂ.૪૨૦.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૪.૧૯ પોઈન્ટ ઘટીને ૩૦૩૮૮.૪૯ બંધ રહ્યો હતો.
આઈટીસીની આગેવાનીએ એફએમસીજી શેરોમાં તેજી : આઈટીસી રૂ.૯ વધ્યો : ગોડફ્રે ફિલિપ, કોલગેટ વધ્યા
આઈટીસી લિમિટેડમાં ફંડોની ખરીદીની સાથે એફએમસીજી શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. આઈટીસી લિમિટેડ રૂ.૮.૦૫ વધીને રૂ.૪૦૯.૭૫, ગોડફ્રિ ફિલિપ રૂ.૩૯૮.૩૦ વધીને રૂ.૧૦,૯૯૪.૧૦, કોલગેટ પામોલિવ ઈન્ડિયા રૂ.૭૧.૯૦ વધીને રૂ.૨૩૩૩.૭૫, યુનાઈટેડ સ્પિરીટ રૂ.૨૬.૭૦ વધીને રૂ.૧૩૦૭.૫૦, મેરિકો રૂ.૧૪.૫૫ વધીને રૂ.૭૨૬.૦૫, સીસીએલ રૂ.૧૭.૧૦ વધીને રૂ.૮૭૨, બ્રિટાનીયા રૂ.૧૧૦.૯૦ વધીને રૂ.૫૮૩૦, જીલેટ ઈન્ડિયા રૂ.૧૮૩.૨૦ વધીને રૂ.૧૦,૧૨૫.૯૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૪.૩૭ પોઈન્ટ વધીને ૨૦૬૧૦.૬૪ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતી : બાટા ઈન્ડિયા, ક્રોમ્પ્ટન, એશીયન પેઈન્ટ, વોલ્ટાસ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બાટા ઈન્ડિયા રૂ.૨૦.૨૫ વધીને રૂ.૧૧૦૦, ક્રોમ્પ્ટન રૂ.૬.૦૫ વધીને રૂ.૩૩૦, એશીયન પેઈન્ટ રૂ.૨૬.૨૫ વધીને રૂ.૨૫૧૭.૪૦, વોલ્ટાસ રૂ.૧૨.૮૦ વધીને રૂ.૧૩૭૨.૬૦, બર્જર પેઈન્ટ રૂ.૨.૭૦ વધીને રૂ.૫૩૨.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૦૫.૮૦ પોઈન્ટ વધીને ૬૦૬૩૮.૧૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ તેજી : સીજી પાવર, જયોતી સીએનસી, ભારત ઈલેક્ટ્રોનિક્સ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સિલેક્ટિવ તેજી રહી હતી. સીજી ગુ્રપ દ્વારા સેમી-કન્ડકટર્સ ક્ષેત્રે પ્રવેશના પોઝિટીવ પરિબળે ગુ્રપ કંપની સીજી પાવર રૂ.૩૧.૩૫ વધીને રૂ.૬૯૫ રહ્યો હતો. જ્યોતી સીએનસી રૂ.૧૬.૯૦ વધીને રૂ.૯૧૫.૩૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૫.૩૫ વધીને રૂ.૩૬૯.૨૫, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૮.૪૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૩૨.૮૫ વધીને રૂ.૩૦૫૩, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૬.૩૦ વધીને રૂ.૯૦૮.૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૨.૮૫ પોઈન્ટ વધીને ૬૫૪૧૭.૦૮ બંધ રહ્યો હતો.
એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૨ વધી રૂ.૩૪૬ : ગ્રેન્યુઅલ્સ, એસએમએસ ફાર્મા, ન્યુલેન્ડ લેબ., એસ્ટ્રાઝેનેકા વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૧.૯૫ વધીને રૂ.૩૪૬.૧૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૨૪.૬૦ વધીને રૂ.૪૯૧.૯૫, એસએમએસ ફાર્મા રૂ.૧૦.૨૫ વધીને રૂ.૨૩૬.૨૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૩૩૮.૩૫ વધીને રૂ.૧૩,૪૫૬.૭૫, કોવઈ રૂ.૧૪૬.૫૦ વધીને રૂ.૬૩૩૫, એસ્ટ્રાઝેનેકા રૂ.૧૫૦.૩૦ વધીને રૂ.૮૪૭૩ રહ્યા હતા.
ફંડો, ઓપરેટરોની એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી ધીમી પડી : ૨૧૮૭ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ઉછાળે આંચકા આવ્યા સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોની વેચવાલી ધીમી પડી હતી. અલબત ઘટનાર શેરોની સંખ્યા વધુ રહેતાં માર્કેટબ્રેડથસતત ખરાબ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૫૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૯૦ અને ઘટનારની ૨૧૮૭ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૩.૬૫ લાખ કરોડ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે આંચકા આવ્યા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી ચાલુ રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૧.૫૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૩.૬૫ લાખ કરોડ રહ્યું હતું. આમ છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપતિ રૂ.૪૫૬.૨૭ લાખ કરોડથી રૂ.૧૩.૬૨ લાખ કરોડ ધોવાઈ ગઈ છે.