– કપડવંજના સોરણાથી બાલાસિનોર તરફ
– 18 કરોડના ખર્ચે એચ.બી. શાહ કંપનીના મંજૂર ટેન્ડર બાદ ગામમાં બે મહિનાથી કામ પૂર્ણ થતું નથી
કપડવંજ : કપડવંજ તાલુકામાં સોરણાથી બાલાસિનોર જતા વડોલ તરફ રોડનું મંથરગતિએ કામ ચાલુ હોવાથી ખેતરો અને ઘર પાસે પાણી ભરાઈ જવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે રોડનું કામ ઝડપી પૂર્ણ કરવા માંગણી ઉઠી છે.
કપડવંજ તાલુકાના સોરણ ગામથી બાલાસિનોર તરફનો ચાર મહિનાથી રોડ રૂા. ૧૮ કરોડના ખર્ચે એચ.બી. શાહ કંપનીના નામે ટેન્ડર મંજૂર કરી કામ શરૂ કરાયું છે. વડોલ ગામ ખાતે જ બે મહિનાથી રોડનું કામ ચાલી રહ્યું હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ત્યારે રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી વાહન ચાલકો સહિત સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો હાડમારી ભોગવવા મજબૂર બન્યા છે. આડેધડ રેતીના ઢગલા અને પુરાણ કરતા રોડની સાઈડમાં આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીનો ભરાવો થવાના કારણે પાણીજન્ય રોગચાળો ભેલાવાનો ભય પણ ભય છે. તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરી રોડનું કામ ઝડપી પૂર્ણ કરવા માંગણી ઉઠી છે.