Vadoadra : વડોદરા શહેર નજીકના તલસટ ગામના સરપંચ નવનીતભાઈ બળવંતભાઈ ઠાકોરે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2022 માં અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં સતીશ છત્રસિંહ ઠાકોરને હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ મારાથી વિરોધ વૃદ્ધિ રાખી હંમેશા ગામના વિકાસ બાબતે મારો વિરોધ કરતા હતા અને મને ખોટી રીતે હેરાન કરતા હતા.
15મી તારીખે તલસટ પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં સભા પૂરી કરી હું મારા ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન સુખદેવ ડાયાભાઈ ઠાકોર મારી પાસે આવીને કહેવા લાગ્યો હતો કે હવે જોઈ લેજો તમે કેવી રીતે ગ્રામ પંચાયત ચલાવો છો.. તમને પતાવી નાખીશ અને બળાત્કારના ખોટા કેસમાં પતાવી દઈશ.. મને ગાળો બોલી તે જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ ચાપડ તલસટ રોડ પર પીયુષ જગદીશભાઈ ઠાકોર મને મળ્યો હતો અને કહેવા લાગ્યો કે તારા દિવસ હવે નજીક આવી ગયા છે તને પતાવી નાખીશ. ગત 25 મી તારીખે મામલતદાર વડોદરા ગ્રામ્ય કોર્ટમાં મારા કેસની તારીખ હોવાથી મુદ્દત પતાવીને પણ બહાર નીકળતા પાર્કિંગમાં મને રાકેશ જગદીશભાઈ ઠાકોર અને સતિષ છત્રસિંહ ઠાકોર મળ્યા હતા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીથી મને ડર લાગતા 26 તારીખે 7:30 વાગે ઝેરી દવા પી લીધી હતી અને મારા ભાઈને ફોન કરતા તે મને તહોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો.