વડોદરા,સોમવારની મોડીરાતે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં સામેલ વધુ એક આરોપીને સિટિ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે પહેલા દિવસે ઝડપાયેલા બે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
શહેરની શાંતિ ડહોળવા તથા કોમી વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે ગણેશોત્સવ શરૃ થતા પહેલા જ શ્રીજીની સવારી પર ઇંડા ફેંકી આરોપીઓએ અરાજકતા ફેલાવી હતી. આ ઘટનામાં પહેલા જ દિવસે પોલીસે બે આરોપીઓ સૂફિયાન ઉર્ફે ગામા સલીમભાઇ મનસુરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહંમદઇર્શાદ કુરેશી ( બંને રહે. માસૂમ ચેમ્બર્સ, ખાનગાહ મહોલ્લો, વાડી) તેમજ એક સગીરને ઝડપી પાડયા હતા. સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ સૂફિયાન અને શાહનવાઝના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે બંનેના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ ખાનગાહ મહોલ્લામાં મિટિંગ કરી હતી. તે મિટિંગમાં હાજર આરોપી સલમાન મોહંમદહુસેન મનસુરી (રહે.હબીબ મનસુરીની ચાલી, મદાર માર્કેટની બાજુની ગલીમાં, પાણીગેટ રોડ) ને ઝડપી પાડયો છે. આ કેસમાં અત્યારસુધી કુલ પાંચ આરોપી ઝડપાયા છે. જ્યારે હજી ત્રણ આરોપીને પકડવાના બાકી છે.