Supreme Court on Khajuraho Case: મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની માથું કપાયેલી ખંડિત પ્રતિમાના પુનઃનિર્માણની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચામાં છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું કે, ‘જાઓ અને તમારા ભગવાનને કહો કે, આ વિશે જાતે જ કંઇક કરે.’
ખંડિત પ્રતિમા બદલવા માટે કરી માંગ
મધ્યપ્રદેશમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ખજુરાહો મંદિર સંકુલના જવારી મંદિરમાં સ્થિત ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી પ્રતિમાનું માથું તૂટી ગયું છે. રાકેશ દલાલ નામના વ્યક્તિએ ખંડિત પ્રતિમાને બદલવા અને પવિત્ર કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ 25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા
સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
ચીફ જસ્ટિસ બી. આર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની આગેવાની હેઠળની ખંડપીઠે રાકેશ દલાલની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.
ભગવાનને જ કહો…
આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી. આર ગવઇએ કહ્યું કે, ‘આ સંપૂર્ણ રીતે પ્રચાર માટે કરવામાં આવેલી અરજી છે… જાઓ અને ખુદ ભગવાનને જ કંઇક કરવા માટે કહો. જો તમે કહી રહ્યા છો કે, ભગવાન વિષ્ણુના પ્રબળ ભક્ત છો, તો તમે પ્રાર્થના કરો અને થોડું ધ્યાન કરો.’
આ કેસ ASIના અધિકાર ક્ષેત્રમાં આવે છેઃ સુપ્રીમ કોર્ટ
ખંડપીઠે આ મામલે કહ્યું કે, ‘આ કેસ સંપૂર્ણ રીતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ એક પુરાતત્વીય સ્થળ છે, શું ASI આને મંજૂરી આપશે કે નહીં… તેમાં ઘણા બધા મુદ્દાઓ સામેલ છે. જો તમે શૈવ ધર્મના વિરોધી નથી, તો તમે ત્યાં જઈને પૂજા કરી શકો છો. ત્યાં એક વિશાળ શિવલિંગ છે, જે ખજુરાહોમાં સૌથી મોટું છે.’
આ પણ વાંચોઃ તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ
અરજીમાં કરાયો દાવો
રાકેશ દલાલની અરજીમાં મૂર્તિને બદલવા અથવા પુનઃનિર્માણ માટે દિશા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ASIને ઘણી રજૂઆતો કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુઘલ આક્રમણ દરમિયાન પ્રતિમાને નુકસાન થયું હતું અને સરકારને વારંવાર તેને પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવા છતાં તે એ જ સ્થિતિમાં છે.
આ અરજીમાં ખજુરાહો મંદિરોના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મૂળ ચંદ્રવંશી રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. અરજદારનો આરોપ છે કે વસાહતી ઉપેક્ષા અને સ્વતંત્રતા પછીની નિષ્ક્રિયતાને કારણે આઝાદીના 77 વર્ષ પછી પણ પ્રતિમાનું સમારકામ થયું નથી. પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર ભક્તોના પૂજા કરવાના મૂળભૂત અધિકારના ઉલ્લંઘનનો દાવો કરાયો છે.