– પ્રેમ લગ્ન સમયે થયેલી મારમારીની અદાવતમાં હુમલો
– સસરાને ધોકા વડે માર મારી ધમકી આપતા છ શખ્સ સામે પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં નવી હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં પ્રેમલગ્ન મામલે થયેલી મારામારીનું મનદુઃખ રાખી જમાઇ સહિતના છ શખ્સોએ સસરાને માર મારી ઘર સળગાવવાની તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફરિયાદીએ જમાઇ સહિત છ શખ્સ સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવી હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ સાગરભાઈ ધાંધરેશાની દિકરી હિરલે શૈલેષભાઈ ઝરવરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી રિસામણે હોય અંદાજે પાંચ મહિના પહેલા પ્રકાશભાઈ ધાંધરેશાએ જમાઇ શૈલેષભાઈને માર માર્યો હતો. જેનું મનદુઃખ રાખી ૬ જેટલા શખ્સોએ કાર તેમજ ટુ વ્હીલર પર આવી પ્રકાશભાઈ ધાંધરેશાને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ગાળો આપી હતી. અરોપીઓએ પેટ્રોલ વડે પ્રકાશભાઈ ધાંધરેશાનું ઘર સળગાવવાની તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે પ્રકાશભાઈ ધાંધરેશાએ બી-ડિવીઝન પોલીસ મથકે શૈલેષ ધનસુખભાઈ ઝરવરીયા (જમાઇ), સન્ની શૈલેષભાઈ ઝરવરીયા, દિનેશ ધનસુખભાઈ ઝરવરીયા, વિપુલભાઈ છનાભાઈ, વિક્રમભાઈ સાગરભાઈ ઝરવરીયા અને જગાભાઈ શિવાભાઈ (તમામ રહે.ઉદ્યોગનગર અને માનવ મંદિર રોડ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.