– અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવા ખેડૂતની માંગ
– બિનઉપયોગી કેનાલના કારણે ખેડૂતોના પાકને નુકશાન જતાં હાલાકી
સુરેન્દ્રનગર : ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા લીંબડી તાલુકાના વનાળા ગામના ખેડૂતો માટે મુસીબત બની છે. વનાળા ગામની સીમમાંથી પસાર થતી માઈનોર કેનાલ જર્જરીત અને બિનઉપયોગી બની જતા ખેતરમાં મહામહેનતે કરેલા પાક પર વર્ષોથી પાણી ફરી વળે છે. ખેડૂતો અને મંત્રીએ પણ લેખિતમાં નર્મદા વિભાગને જાણ કરી હોવા છતાં અધિકારીઓ દ્વારા આજદીન સુધી કોઇ પગલાં લેવામાં નહીં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
લીંબડી તાલુકાના વનાળા ગામ તરફ જવાના રસ્તે સર્વે નં.૨૨૬માં ખેતર ધરાવતા અરજદાર મહેન્દ્રસિંહ દિલુભા રાણાના ખેતરમાંથી નર્મદાની ભોયકા માઈનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલ છેલ્લા ૧૨ વર્ષ કરતા પણ વધુ સમયથી બિસ્માર બની ચુકી છે. જેના કારણે મહેન્દ્રસિંહ રાણાના ખેતર સહિત આસપાસના ખેતરોમાં મહામહેનતે કરેલો પાક પર પાણી ફરી વળતાં વર્ષોથી ખેડૂતો નિપજ લઈ શકતા નથી. કેનાલની જર્જરીત પાળોના કારણે ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે. આથી જર્જરીત પાળોને દુર કરી નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવામાં આવે તેવી ભોગ બનનાર ખેડૂત દ્વારા છેલ્લા ઘણા સમયથી નર્મદા વિભાગ સહિત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ સુધી લેખિત રજૂઆત કરી છે.
મંત્રીઓ દ્વારા પણ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા નર્મદા વિભાગના મેનેજીંગ ડિરેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતત જાણ કરી હોવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ મંત્રીઓનું પણ ન ગણકારતા હોવાનો ઘાટ સર્જાયો છે અને સમસ્યા જેમની તેમ છે. જેના કારણે ખેડૂતને પારાવાર નુકશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. આથી નર્મદા વિભાગ દ્વારા તાત્કાલીક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતમાં માંગ ઉઠવા પામી છે.