અમદાવાદ : ઓગસ્ટ ૨૦૨૫માં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ ભારતીય ઇક્વિટી બજારમાંથી લગભગ રૂ. ૩૪,૯૯૩ કરોડ (લગભગ ૪ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા છે. જે છેલ્લા છ મહિનામાં સૌથી મોટી વેચવાલી હતી. આ વેચવાલીનું કારણ અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અને સ્થાનિક બજારના ઊંચા મૂલ્યાંકનને આભારી છે.
જુલાઈમાં વિદેશી રોકાણકાર દ્વારા રૂ. ૧૭,૭૪૧ કરોડ ઉપાડવામાં આવ્યા હતા, પરંતુ ઓગસ્ટમાં તે લગભગ બમણું થઈ ગયા હતા.
આ સાથે, ૨૦૨૫માં અત્યાર સુધી વિદેશી રોકાણકારોનો કુલ ઇક્વિટી ઉપાડ ૧.૩ લાખ કરોડને પાર કરી ગયો છે.
બજારના નિષ્ણાતો કહે છે કે આ ઉપાડ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોનું પરિણામ છે. ફેબ્રુઆરી પછી આ સૌથી મોટી વેચવાલી છે, જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ.૩૪,૫૭૪ કરોડના શેર વેચ્યા હતા.
અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર ૫૦% સુધીના ટેરિફથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હતી. આનાથી ભારતની વેપાર સ્પર્ધાત્મકતા અને વૃદ્ધિની સંભાવનાઓ અંગે ચિંતા વધી હતી. આ ઉપરાંત, જૂન ક્વાર્ટરના પરિણામોમાં કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રો અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હતા, જેના કારણે રોકાણકારોનો સેન્ટિમેન્ટ વધુ નબળો પડયો હતો.
ભારતમાં શેરના ઊંચા મૂલ્યાંકનની તુલનામાં અન્ય બજારો સસ્તા છે. આ જ કારણ છે કે વિદેશી રોકાણકારોએ ભારતમાંથી નાણાં પાછા ખેંચી લીધા અને અન્ય બજારોમાં રોકાણ કર્યું હતું. જોકે, તેમણે એમ પણ કહ્યું કે વિદેશી રોકાણકાર હજુ પણ પ્રાયમરી બજારમાં ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં, તેઓએ આઈપીઓ એટલે કે પ્રાયમરી માર્કેટમાં રૂ.૪૦,૩૦૫ કરોડનું રોકાણ કર્યું છે.