વડોદરા : ટ્રેનમાં થયેલા ઝઘડાની અદાવતમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવેલા
આઠથી વધુ શખ્સના ટોળાએ ચપ્પુ તેમજ પંચ જેવા મારક સાધનોથી હુમલો કરી બે શખ્સને
ગંભીર ઇંજા પહોંચાડતા આ બનાવના પગલે રેલવે સ્ટેશન પર લોકોમાં ભારે ભયનો માહોલ
સર્જાયો હતો અને નાસભાગ સર્જાઇ હતી. આ બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ પોલીસ ધરપકડ
ટાળવા માટે આગોતરા જામીન અરજી કરતા અદાલતે અરજદારની અરજી રદ કરી હતી.
મોહમદ આઝમ પઠાણે તા.૧૭ ઓગસ્ટના રોજ રેલવે પોલીસમાં નોંધાવેલી
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મિત્ર મુદસ્સીરને ટ્રેનમાં કોઇની સાથે
ઝઘડો થતા તેણે ફોન કર્યો હતો એટલે તે તથા તેના મિત્રો રેલવે સ્ટેશન પર ગયા ત્યારે
જેની સાથે ઝઘડો થયો હતો તે શખ્સે તેના સાગરીતોને બોલાવી લીધા હતા. આ આઠ જેટલા
શખ્સોએ ચપ્પુ તેમજ પંચથી હુમલો કર્યો હતો અને તેમાં ફરિયાદી અને તેના મિત્ર
તાલીબને ઇંજા પહોંચી હતી.
આ બનાવમાં સંડોવાયેલા શેખ આફતાબ જાકીરહુસેન નામના શખ્સનું નામ
તપાસમાં ખુલતા તેણે પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જામીન
અરજીની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીની
સ્થળ પર હાજરી સીસીટીવીમાં જણાઇ રહી છે. ગંભીર ગુનો છે અને ગુનાની તપાસ ચાલે છે
ત્યારે આગોતરા જામીન ન આપવા જોઇએ. અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદાર આફતાબ
શેખની જામીન અરજી રદ કરી હતી.