રાજપીપળા,ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાની શક્યતા હોવાથી નર્મદા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવનાર છે. ગુરૃવારની સવારે ડેમના ગેટ અને પાવર હાઉસમાંથી ૩.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે.
આજે રાત્રે નર્મદા ડેમના ગેટમાંથી અને પાવર હાઉસમાંથી ૧.૯૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેમાં આવતીકાલ સવાર સુધીમાં ધરખમ વધારો થશેે. ડેમમાંથી વધુ પાણી છોડવાના કારણે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા વડોદરા, ભરૃચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા જણાવાયું છે.
નર્મદા ડેમના હાલ ૧૦ ગેટ ૧.૪૫ મીટર સુધી ખુલ્લા છે અને નદીમાં ૯૪૯૭૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
આજે સાંજે ડેમની સપાટી ૧૩૫.૩૫ મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હાલ ડેમમાં ૮૪૧૯.૫૦ એમસીએમ પાણીનો જથ્થો છે. ડેમમાં પાણીનો ૮૯ ટકા સંગ્રહ છે. હાલ ઉપરવાસમાંથી ૫૭૧૧૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કેનાલમાં ૨૩૦૨૧ ક્યુસેક પાણી જઈ રહ્યું છે.