જામનગર તાલુકાના વાણીયા ગામનો બનાવ : ગ્રામજનોએ યુવાનને બહાર કાઢ્યો, કાર પાણીમાં ગઇ
જામનગર, : જામનગર તાલુકાના વાણીયા ગામમાં એક યુવાન કાર સાથે રીલ બનાવવાના ચક્કરમાં ડેમના પાણીમાં કાર સાથે ખાબક્યો હતો. ગ્રામજનોએ તેને બચાવીને બહાર કાઢી લીધો હતો. જોકે કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ હતી, જેને ક્રેઇન મારફતે બહાર કાઢવાની ફરજ પડી છે.
જામનગર તાલુકાના વાણીયા ગામ પાસે વાગડિયા ડેમ આવેલો છે, જે ડેમ નજીક એક યુવાન પોતાની એકસયુવી કાર સાથે આવ્યો હતો, અને પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવવામાં વ્યસ્ત બન્યો હતો. દરમિયાન એકાએક તેની કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ડરના માર્યા તેણે સૌપ્રથમ બુમાબુમ કરી મૂકી હતી, અને મહા મુશ્કેલીએ પોતે કારની બહાર નીકળીને ઉપર ચડી ગયો હતો. દરમિયાન ગ્રામજનોએ એકત્ર થઈને તેને બહાર કાઢી લઈ બચાવી લીધો હતો. પરંતુ તેની કાર પાણીમાં ગરકાવ થઈ હતી. જોકે મોડેથી ક્રેઇન મારફતે તેની કારને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરાયા હતા. આ રીતે રીલ બનાવવાની ઘેલછા એક યુવાન માટે મુસીબત સાબિત થઈ હતી, જોકે સદભાગ્યે તેનો જીવ બચ્યો છે.