વડોદરાઃ આજકાલ સોશિયલ મીડિયા પર ઘિબલી આર્ટ ઈમેજનો ક્રેઝ છવાયો છે.રોજ લાખો લોકો પોતાના ફોટોને ઘિબલી ઈમેજમાં કન્વર્ટ કરીને અપલોડ કરી રહ્યા છે.જોકે તેના કારણે હવે લોકોના ડેટાનો કે ફોટોગ્રાફનો દુરુપયોગ થવાનું, મોબાઈલ હેક થવાનું પણ જોખમ ઉભુ થયું હોવાની ચેતવણી સાયબર એક્સપર્ટ આપી રહ્યા છે.
ઓપન એઆઈએ લોકોમાં કુતુહલ, જિજ્ઞાાસા ઉભી કરવા માટે ઘિબલી આર્ટ ઈમેજને પોતાના એઆઈ પ્લેટફોર્મ ચેટ જીપીટી પર લોન્ચ કર્યાના ગણતરીના જ દિવસોમાં તે સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે લોકપ્રિય થઈ ગઈ છે.
શહેરના સાયબર એક્સપર્ટ અને શિક્ષક મયૂર ભૂસાવળકરનું કહેવું છે કે, શરુઆતમાં તો ચેટ જીપીટી થકી જ લોકો પોતાના ફોટાને ઘિબલી ઈમેજમાં કન્વર્ટ કરી શકતા હતા પરંતુ તેના પર થયેલા ધસારા બાદ હવે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોટોગ્રાફને ઘિબલી આર્ટમાં કન્વર્ટ કરી આપવાનો દાવો સંખ્યાબંધ સાઈટસ, એપ અને પ્લેટફોર્મ કરી રહ્યા છે.જેનાથી લાખો લોકોનો ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે.જોકે તેનાથી સાવધ રહેવાની પણ જરુર છે.કારણકે ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, ફોટોગ્રાફ મોકલ્યા બાદ તે ઘિબલી ઈમેજમાં કન્વર્ટ નથી થઈ રહ્યો.
એવુ પણ બની શકે છે કે, આ પ્રકારના પ્લેટફોર્મ કે એપ તમે મોકલેલા ફોટોગ્રાફનો ડીપ ફેક ઈમેજ બનાવવા માટે દુરપયોગ કરી શકે છે, ઈમેજ મોકલવાની સાથે તમારો મેટા ડેટા પણ ચોરાઈ શકે છે.મેટા ડેટામાં યુઝર કયો મોબાઈલ વાપરે છે, કઈ કંપનીનું કનેક્શન છે, યુઝરનું લોકેશન સહિતની ઘણી જાણકારીનો સમાવેશ થાય છે.મેટા ડેટા યુઝરની ઈમેજ સાથે એટેચ હોય છે.ઉપરાંત ઘિબલી ઈમેજ માટે અજાણી લિન્ક પર ક્લિક કરવાથી મોબાઈલનો ડેટા હેક થવાની કે મોબાઈલ હેક થવાનું પણ જોખમ રહેલું છે. તમે મોકલેલા ફોટોગ્રાફનો ઉપયોગ કરીને કોઈ ફેક સોશ્યલ મીડિયા પ્રોફાઈલ પણ બનાવી શકે છે.
ઘિબલી શબ્દનો અર્થ ગરમ પવન…થાય છે
ઘિબલી આર્ટ ઈમેજ જાપાન સાથે જોડાયેલી છે.૧૯૮૫માં હયાઓ મિયાઝાકી, ઈસાઓ તાકાહાટા અને તોશિયો સુઝુકીએ ઘિબલી સ્ટુડિયોની સ્થાપના કરી હતી.આ સ્ટુડિયો દ્વારા સેંકડો એનિમેશન ફિલ્મો બનાવવામાં આવી હતી.આ એનિમેશન ફિલ્મોમાં જાપાની સંસ્કૃતિની ઝલક જોવા મળતી હતી.આ ફિલ્મોમાં પાત્રોને જે રીતે દર્શાવાયા હતા તેને ઘિબલી આર્ટ કહેવામાં આવે છે.ઘિબલી શબ્દ પણ જાપાનીઝ નથી.તેનુ કનેક્શન ઈટાલી સાથે છે.આ શબ્દનો ગુજરાતી અર્થ ગરમ પવન ..તેવો થાય છે.
લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ
સાયબર એક્સપર્ટસનું કહેવુ છે કે, ઘિબલી ઈમેજના ક્રેઝ વચ્ચે નીચે પ્રમાણે સાવચેતી રાખવાની જરુર છે.
–શક્ય હોય તો મૂળ પ્લેટફોર્મ પર જ ઘિબલી ઈમેજ માટે ફોટોગ્રાફ અપલોડ કરો
–ફોટોગ્રાફ બને તો મેટા ડેટા વગરનો અપલોડ કરો.મોબાઈલ પર ફોટોગ્રાફ લેતી વખતે મેટા ડેટા એટેચ રાખવો કે નહીં તેનો વિકલ્પ હોય છે.
–ઉપરાંત સોશિયલ મીડિયા પર પહેલેથી મૂકેલો ફોટો ઘિબલી ઈમેજમાં કન્વર્ટ કરવા માટે ઉપયોગમાં લેવો હિતાવહ છે.
–એચડી ફોટોગ્રાફની જગ્યાએ ઓછા રિઝોલ્યુશનવાળો ફોટો ઉપયોગમાં લેવો પણ હિતાવહ છે.
–કોઈ પણ સાઈટ પર ઘિબલી ઈમેજ માટે ફોટોગ્રાફને અપલોડ કરતા પહેલા તેની શરતો વાંચી લેવી જરુરી.