Vadodara : વડોદરા શહેરમાં ધામધૂમથી ઉજવાઈ રહેલા ગણેશ ઉત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે ત્યારે દુંદાળા દેવને વિદાય આપવાની વિસર્જન યાત્રાઓનો પ્રારંભ થઈ ગયો છે. આવા સમયે હવે કુત્રિમ તળાવમાં પણ મગરો દેખાતા ભયનો માહોલ છવાયો છે.
ત્રણ દિવસ પહેલા નવલખી કુત્રિમ તળાવમાં એક સાપ નજરે પડ્યો હતો. ત્યારબાદ આજે વિસર્જન કાર્ય શરૂ થયું છે ત્યારે હરણી સમા લીંક રોડ પરના કોર્પોરેશનના કુત્રિમ તળાવમાં બે નાના મગર નજરે પડ્યા હતા.
આ બંને મગરને બહાર કાઢવા માટે ફોરેસ્ટ વિભાગ તેમજ જીવ દયા કાર્યકરો કામે લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી વરસાદને કારણે નવું પાણી આવવાથી મગરો બહાર નીકળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર મગરોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું.