Panam Dam In Panchmahal: પંચમહાલ અને મહીસાગર સહિત આસપાસના જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં અને જિલ્લામાં સવારથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. હાલ પાનમ ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલી 78, 356 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદી કાંઠાના અનેક ગામોને ઍલર્ટ રહેવાની સૂચના અપાઈ છે.
પાનમ નદીના કિનારે આવેલા ગામોને ઍલર્ટ કરાયા
મળતી માહિતી અનુસાર, પાનમ ડેમની હાલની જળ સપાટી 127.20 મીટરે પહોંચી્ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. ત્યારે પાનમ ડેમમાં પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જેથી પાનમ નદીના કિનારે આવેલા ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
મહીસાગર નદીનું જળસ્તર વધ્યું
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) કડાણા ડેમના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમની જળસપાટી સતત વધી રહી હતી. પરિણામે કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 80 હજાર ક્યુસેકથી વધુ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે.
આ પણ વાંચો: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના
મહીસાગર નદીનું જળસ્તર વધતાં નદીકાંઠાના અનેક ગામો પ્રભાવિત થયા છે. શહેરા તાલુકાના બીલીથા, બોરડી, બાકરિયા, ખરોલી અને સાદરા જેવા ગામોમાં મહીસાગર નદીનું પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. આ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો ડાંગર, મકાઈ, શાકભાજી, તમાકુ અને ઘાસચારો જેવા મોંઘા પાકોને મોટાપાયે નુકસાન થયું છે.