Salngpurdham 451 Feet Big Rangoli: બોટાદ જિલ્લાના મહા તીર્થધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો શતામૃત મહોત્સવ તથા હનુમાનજી પ્રાગટ્યોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક અને રાજ્યના રંગોળી કલાકાર હિતેશકુમાર બ્રહ્મભટ્ટે સાળંગપુર ધામ ખાતે 451 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી છે. આ રંગોળી તૈયાર કરવામાં પૂરા 18 કલાકનો સમય લાગ્યો છે તથા કુલ 170 કિલો રંગોળી રંગનો ઉપયોગ કર્યો છે. આ કાર્ય માટે તેમને કેટલાક લોકોએ પણ સહયોગ કર્યો.
આ પણ વાંચોઃ હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો
નવ સેવકોની મદદથી બનાવાઈ રંગોળી
આ સેવામાં નડિયાદના નવ સેવકો પણ ખૂબ જ સહયોગી બન્યા છે. જેમાં પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટ ,મૌલેશકુમાર બ્રહ્મભટ્ટ, અલ્પેશકુમાર પટેલ,મિલનકુમાર પટેલ ,જૈનમ કુમાર ભાવસાર, આશિષકુમાર સુથાર, રવિકુમાર ડોડાણી, નંદકુમાર સુથાર અને ઉજાસ કુમાર પ્રજાપતિ મુખ્ય છે. જેમણે પણ કષ્ટભંજન દેવ મંદિરના આંગણામાં રંગોળી કરવામાં મદદ કરી ભક્તિના રંગો પૂર્યા.
આ 451 ફૂટની વિશાળ રંગોળી દેશ-પરદેશના લાખો દર્શનાર્થીઓમાં વિશેષ આકર્ષણરૂપ બની છે. ઉલ્લેખનીય છે કે, હિતેશકુમાર બ્રહ્મભટ્ટે તાજેતરમાં જ વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 111 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી. મહત્વનું છે કે હિતેશભાઈ એક શિક્ષક હોવાની સાથે આર્કિટેક પણ છે. તેઓ કઠપૂતળીના ખેલથી સામાજિક જાગૃતિના કાર્યક્રમો પણ કરે છે. અને ફરતું પુસ્તકાલય પણ ચલાવે છે. આ બધીજ સેવા તેઓ કોઈપણ જાતની ગ્રાન્ટ કે ડોનેશન વગર સ્વ ખર્ચથી કરે છે.