વડોદરા, તા.6 વડોદરા તાલુકાના ગામોમાં ઢાઢર નદીના પૂરના પાણી ફરી વળતા પાંચ ગામમાંથી ૩૮૫ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે ઢાઢર નદીના પ્રવાહમાં એક વ્યક્તિ તણાઇ જતા લાપત્તા થઇ ગયો છે.
દેવ ડેમમાંથી પાણી છોડાતા તેમજ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીના જળસ્તરમાં સતત વધારો થતા તંત્ર પણ બચાવ કામગીરી માટે દોડતું થઇ ગયું છે. વડોદરા નજીક આવેલા સમસપુરા ગામમા ઢાઢર નદીના પાણી ફરી વળતા ૧૩૫ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં. આ ઉપરાંત મસ્તુપુર ગામડી ગામમાંથી ૯૫, કંદકુઇમાંથી ૩૦, રાધવપુરામાંથી ૫૦, પોરમાંથી ૭૫ લોકોને ખસેડાયા હતાં.
ઢાઢર નદીના પાણી ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા બચાવ કામગીરી કરવાની ફરજ પડી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહપુરા ગામમાં રહેતા ૫૧ વર્ષના ધુવાભાઇ વિઠ્ઠલભાઇ તડવી નદીના પાણીના પ્રવાહમાં તણાઇ જતા તેઓ લાપત્તા થઇ ગયા છે. જ્યારે કાશીપુરા સરાર ગામે એક કાચું મકાન પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
ઢાઢર નદીના પાણી પોર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા પોર ચોકડી પાસે ૨૦ કુંટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઢાઢર નદી દ્વારા વધુ નુકસાન ના થાય તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.