– ઘરખર્ચ કાઢવા મહિલાએ ગાંજાનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું
– ભાવનગર એસઓજીએ મહિલાને ઝડપી લઈ અલંગ પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો
ભાવનગર : ભાવનગર એસઓજી બ્રાંચે બાતમીના આધારે તળાજા નજીક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક આવેલી ઓરડીમાં રહેતી પરપ્રાંતિય મહિલાને કુલ ૨.૩૧૩ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસની કલમ હેઠળ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા તાલુકાના મણાર ગામ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નં.૨૪એની સામેની ઓરડીમાં મહિલા દ્વારા ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા આજે સવારે રેઈડ હાથ ધરી હતી. જેમાં બાતમીવાળી જગ્યાએ ઓરડીમાં રાજવંતીબેન દુર્યોધનભાઈ ઉર્ફે જુયોધન ઉર્ફે ગોરધનભાઈ સાહની (રહે. પ્લોટ નં.૨૪ની સામેની ઓરડી, અલંગ શિપ યાર્ડ, મૂળ રહે.સોહરાના/રાજા, સોહરૌના, મહારાજગંજ, ઉત્તરપ્રદેશ) નામની મહિલા હાજર મળી આવ્યા હતા. જેમની ઓરડીમાં મંદિર પાસેથી એક પ્લાસ્ટિકના ઝબલામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો. જેની એફએસએલ અધિકારી દ્વારા સ્થળ પરિક્ષણ કરાવતા પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ખુલ્યું હતું. જેનું વજન ૨.૩૧૩ કિલોગ્રામ થયું હતું જેને કબ્જે લઈ પોલીસે મહિલાની પુછપરછ કરતા મહિલા છેલ્લા ૨૦-૨૫ વર્ષથી ગુજરાતમાં અલંગ ખાતે રહે છે અને પોતે ઘરખર્ચ કાઢવા માટે ગાંજો લાવી વેચાણ કરતા હોવાની કબૂલાત આપતા સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફે રાજવંતીબેન દુર્યોધનભાઈ ઉર્ફે જુયોધન ઉર્ફે ગોરધનભાઈ સાહની અટક કરી અલંગ પોલીસ મથકમાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.