વડોદરા,આજવા રોડ અને પાણીગેટ વિસ્તારમાં ચૂઇ ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, ધમકી અને દારૃની પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવતી હતી. શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર આ ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગેંગના ૭ સાગરીતો પૈકી છ ને પોલીસે ઝડપી પાડયા છે.
શહેરમાં ગુનાઇત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજવા રોડ મહાવીર હોલ પાસે ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટમાં રહેતો સૂરજ ઉર્ફે ચૂઇ રમણલાલ કહાર, તેનો ભાઇ કુણાલ કહાર તથા અન્ય પાંચ આરોપીઓએ ભેગા થઇને ચૂઇ ગેંગ બનાવી અત્યારસુધી કુલ ૧૨૮ ગુનાઓ આચર્યા હતા. જેમાં સૌથી વધુ ૪૧ ગુનાઓ સૂરજ ઉર્ફે ચૂઇ કહાર સામે નોંધાયા છે. ત્રણ દિવસ પહેલા જ કુણાલ કહારે પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે એક યુવક પર જીપ ચઢાવી દઇ તેને કચડી નાંખવાની કોશિશ કરી હતી. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા કુણાલનો ભાઇ સૂરજ કહાર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં ફરિયાદ કરવા આવેલા યુવકને મોંઢા પર ફેંટ મારી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે તેની સામે અલગથી ગુનો દાખલ થયો હતો.
ચૂઇ ગેંગની ગુનાઇત પ્રવૃત્તિની નોંધ લઇ પોલીસ દ્વારા આ ગેંગના સાગરીતોની માહિતી એકત્રિત કરી તેઓનો ગુનાઇત ભૂતકાળની વિગતો ભેગી કરવામાં આવી હતી. આ ગેંગના ૭ સાગરીતોએ કુલ ૧૨૮ ગુના છેલ્લા ૧૦ વર્ષમાં કર્યા હતા. જે ગુનાઓ ગેંગના સાગરીતોએ મળીને કર્યા હતા. ગુજસીટોકના કેસમાં આ ગેંગના ૬૪ ગુનાઓ ધ્યાને લેવામાં આવ્યા છે. પોલીસે ૭ પૈકીના ૬ આરોપીઓને ઝડપી પાડયા છે.
આરોપીઓના સાગરીતોએ વાહન અને સામાન સગેવગે કર્યો
પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે
વડોદરા,
પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ચૂઈ ગેંગના ૭ પૈકી ૬ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં કુણાલ કહારનો ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને તેમના ઘરેથી તેમજ અન્ય સ્થળેથી રાતે જ પકડી લેવામાં આવ્યા હતા. ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થતા જ ગેંગમાં સામેલ આરોપીઓના સાગરીતોએ વાહનો અને કેટલોક સમાન આજવા રોડ પર આવેલા સૂરજ અને કુણાલના ઘર નજીકથી સગેવગે કરી દીધો હોવાની વિગતો મળી છે. પોલીસે જણાવ્યું છે કે, આ અંગે અમે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી કાર્યવાહી કરીશું.
પ્રદિપ ઠક્કરે પી.એસ.આઇ. પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી હતી
વડોદરા,
વાઘોડિયા રોડ પરિવાર સોસાયટીમાં રહેતા પ્રદિપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઇ ઠક્કર સામે શરૃઆતમાં ચેન સ્નેચીંગનો ગુનો કર્યો હતો. ત્યારબાદ તેણે દારૃનો ધંધો શરૃ કર્યો હતો. તેણે અગાઉ શિનોર પોલીસ સ્ટેશનના પ્રોબેશન પિરિયડ પરના પી.એસ.આઇ. બી.પી.રોઝીયા પર કાર ચઢાવી દેવાની કોશિશ કરી હતી. જે અંગે તેના વિરૃદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો. પ્રદિપ સામે લૂંટ, ચેઇન સ્નેચીંગ, અપહરણ, મારામારી, છેડતી અને પ્રોહિબીશનના મળીને કુલ ૩૭ ગુનાઓ નોંધાયા છે.
સૂરજ કહારે વૃદ્ધ દંપતી પર બેરહેમીપૂર્વક હુમલો કર્યો હતો
વડોદરા,
નવેમ્બર – ૨૦૨૨ માં માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહાર તથા તેના સાગરીતોએ પૈસાની લેતીદેતીના મામલે મધરાતે ન્યૂ વી.આઇ.પી.રોડ પર ખોડિયાર નગર – ૧ માં રહેતો વૃદ્ધ દંપતી પર બેરહેમી પૂર્વક હુમલો કર્યો હતો. આ અગાઉ મર્ડર કેસમાં જામીન પર છૂટયા પછી તેણે જેલમાંથી ઔડી કારમાં તેણે સાગરીતો સાથે રેલી કાઢી હતી. આ બંને ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.