– વિઝ્યુલ ઈન્સ્પેક્શન દરમિયાન ક્ષતિ જણાઈ આવી
– ભારે વાહનો માટે માઈનોર બ્રિજને કામચલાઉ ધોરણે બંધ કરી દેવાયો
ભાવનગર : મહુવાની માલણ નદી પર આવેલો વર્ષો જૂનો બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાનું આખરે તંત્રએ પણ સ્વીકાર્યું છે અને માઈનોર બ્રિજને ભારે વાહનો માટે કામચલાઉ ધોરણે બંધ કરી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે.
મહુવાના ગોરસ-કાળેલા રોડમાં માલણ નદી પર આવેલા બ્રિજનું તાજેતરમાં વિઝ્યુઅલ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં આ માઈનોર પુલમાં ક્ષતિ હોવાનું જણાઈ આવતા કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને જાનમાલની હાનિ ન થાય તે માટે બ્રિજ ઉપરથી વાહનો પર પ્રતિબંધ મુકી વૈકલ્પિક રસ્તા પરથી ભારે વાહનો પસાર કરવા મહુવાના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે દરખાસ્ત કરી હતી. જેને લઈ અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે ક્ષતિગ્રસ્ત બ્રિજ પરથી ચાલતા ભારે વાહનો માટે તા.૫-૯થી તા.૪-૧૦ સુધી રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેથી ભારે વાહનો ગોરસથી કુંભણ થઈ કાળેલા રોડ (વી.આર. રોડ) જઈ શકશે તેમ જણાવાયું છે.