– નોટોથી શણગારાતા ગણપતિને આંગી કહેવાય છે
– રાજસ્થાનના ઉદયપુરમાં છેલ્લા આઠ વર્ષથી ગણપતિને નોટોથી શણગારવામાં આવે છે
ઉદયપુર : આખા દેશમાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યાં મહારાષ્ટ્રમાં મુંબઈના લાલ બાગ ચા રાજા પ્રખ્યાત છે તો હવે રાજસ્થાનમાં ઉદયપુરમાં ઉદયપુર ચા રાજા ખૂબ જ વિખ્યાત બન્યા છે.
ઉદયપુરમાં બાપુ બજારમાં આવેલા સ્વસ્તિક વિનાયક ગણપતિ મિત્રમંડળ દ્વારા સ્થાપિત ઉદયપુર ચા રાજાના ગણેશ પંડાલને સજાવવામાં આવ્યા હતા, પરંતુ આ સજાવટ કોઈ માળા કે કપડાથી નહીં પણ નોટોથી કરવામાં આવી હતી. આ પંડાલમાં ભગવાન ગણેશજીની મૂર્તિ અને તેના પૂરા દરબારને એક કરોડ અને ૫૧ લાખ રૂપિયાની નોટો વડે સજાવવામાં આવ્યો હતો. તેને આંગી કહેવાય છે. તેમની આ સજાવટે બધાને હેરાન કરી દીધા છે.
ગણેશજીની ૧૭ ફૂટ ઊંચી મૂર્તિને ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ની નોટથી સજાવવામાં આવી હતી. દરબારને પણ દિવ્યરૂપ આપવામાં આવ્યું હતું. તેને જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે.આ ખાસ શણગાર માટે મુંબઈથી આઠ સભ્યોની ટીમને બોલાવવામાં આવી હતી. તેમણે સતત પાંચ દિવસ મહેનત કરીને આ સજાવટ તૈયાર કરી છે.
છેલ્લા ૨૪ વર્ષથી ચાલતા ગણેશ ઉત્સવમાં છેલ્લા આઠ વર્ષથી ગણપતિને નોટોથી શણગારવાની આંગી પરંપરા નીભાવાય છે. તેનો પ્રારંભ ૫,૫૫,૦૫૫ રૂપિયાથી કરવામાં આવ્યો હતો. તે પછી આગળ વધીને ૭ લાખ ૭૭ હજાર અને પછી ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ પર પહોંચી. હવે આ રકમ વધીને ૧.૫૧ કરોડ થઈ છે. આ બધી રકમ મંડળના ૩૦ આયોજનકારો દ્વારા એકત્રિત કરાય છે અને પછી પરત કરી દેવાય છે.