– ભારતમાં આવેલાં 681 હિમસરોવરોમાંથી 432નું કદ ચિંતાજનક રીતે મોટું થયું
– 2011માં હિમસરોવરો 1917 હેક્ટરમાં ફેલાયેલાં હતા તે હવે 2025માં 2508 હેક્ટર વિસ્તારમાં ફેલાયા
નવી દિલ્હી : ભારતના ૪૦૦થી વધારે હિમ સરોવરો ઝડપથી વિસ્તરી રહ્યા છે જેના કારણે વિનાશક પૂર આવવાનું જોખમ વધી ગયું છે તેમ કેન્દ્ર સરકારના જળ આયોગે તેની મોનિટરિંગ રિપોર્ટમાં ચેતવણી આપતાં જણાવ્યું છે. આગામી દિવસોમાં આવી હોનારતથી બચવા માટે સઘન મોનિટરિંગ કરવાની તાતી જરૂર છે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં આવેલા ૪૩૨ હિમસરોવરો અચાનક વિનાશકારી પૂરનું કારણ બની શકે છે. ગ્લેશિયલ લેક્સ એન્ડ વોટર બોડીઝ ફોર જુન ૨૦૨૫ નામના તાજેતરમાં જાહેર કરવામાં આવેલાં અહેવાલ અનુસાર ગ્લેશિયલ લેક્ એટલાસ ૨૦૨૩ અનુસાર ભારતમાંં આવેલાં ૬૮૧ હિમસરોવરોમાંથી ૪૩૨ હિમસરોવરો વિસ્તરી રહ્યા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સૌથી વધારે ૧૯૭ હિમસરોવરો અરૂણાચલ પ્રદેશમાં આવેલાં છે. એ પછી લદ્દાખમાં ૧૨૦, જમ્મુ અને કાશ્મીરમાં ૫૭, સિક્કિમમાં ૪૭, હિમાચલ પ્રદેશમાં છ અને ઉત્તરાખંડમાં પાંચ હિમસરોવરોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગયા એક દશકામાં ભારતમાં હિમસરોવરોના ક્ષેત્રફળમાં ઝડપથી વધારો થયો છે. ૨૦૧૧માં આ હિમસરોવરો ૧૯૧૭ હેક્ટરમાં ફેલાયેલાં હતા તે હવે ૨૦૨૫માં ૨૫૦૮ હેક્ટર વિસ્તારમાં ફેલાઇ ગયા છે. આ બાબતે સાવધ થવા પર ભાર મુકતાં કેન્દ્રીય જળ આયોગે મેદાની વિસ્તારોમાં રહેતાં લોકોના બચાવ માટે રિયલ ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ તથા સેટેલાઇટ આધારિત એલર્ટ અને વોર્નિંગ સિસ્ટમ સ્થાપવાની ભલામણ કરી છે.
અહેવાલમાં જણાવ્યું છે કે હિમાલય વિસ્તારમાં જળવાયુપરિવર્તનની વિપરીત અસરને ખાળવાના મોટાં પડકારો ઉભાં થયા છે. જળવાયુ ગરમ થવાથી તેના દુષ્પ્રભાવને કારણે હિમનદીઓના સંકોચન અને હિમસરોવરોના વિસ્તાર થઇ રહ્યો છે.