– પૈસાની લેતીદેતીની બાબતે મામલો બિચક્યો, ફરિયાદ નોંધાઇ
– સુરેન્દ્રનગરના શખ્સોએ બે યુવકને લઇ જઇને ઢોર મારમારીને હરિયાળા પુલ નીચે ફેંકી દીધા
નડિયાદ : ખેડાના માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશન નજીક મોડી રાત્રે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦ પગલાં દૂર જ સુરેન્દ્રનગરના શખ્સોએ એક કારમાં સવાર ત્રણ શખ્સો પર હુમલો કર્યો હતો. પૈસાની લેતીદેતીના મામલે હુમલામાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચાડયા બાદ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને બાદમાં તેમને હરિયાળા પુલ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લીંબાસી પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે કાર પસાર થઈ રહી હતી ત્યારે બે અન્ય ગાડીઓમાં આવેલા છથી સાત અજાણ્યા શખ્સોએ તેને રોકીને તેના પર હુમલો કર્યો હતો. કાર ચાલક જીવ બચાવવા માટે ભાગીને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો, જ્યારે તેની સાથે કારમાં બેઠેલા અન્ય બે ઈસમોને હુમલાખોરોએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલાખોરોએ બે યુવકોને માર મારીને તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ લીંબાસીથી આશરે ૧૫ કિલોમીટર દૂર હરિયાળા પુલ નીચે નાખીને ભાગી ગયા હતા. પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર મુખ્ય શખ્સ સુરેન્દ્રનગરના સાયલા ગામનો લાલાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જે ખનીજ સાથે સંકળાયેલો છે. આ સમગ્ર ઘટના પૈસાની લેતીદેતીના મામલે થઈ હોવાનું પોલીસનું માનવું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.