– દવાની અવેજમાં ચાલતો નશાનો કારોબાર ઝડપાયો
– સગા ભાઈઓએ પોતાના ઘરે નશાની અવેજમાં ચાલતા પીણાંની મીની ફેક્ટરી બનાવી દીધી હતી
ભાવનગર : ગારિયાધારમાં દવાની અવેજમાં ચાલતો નશાનો કારોબાર ઝડપાયો છે. ગારિયાધારના સીતારામનગરમાં આલ્કોહોલિક કોલાના રૂ.૧૫.૪૭ લાખની કિંમતના જથ્થા સાથે બે સગ્ગા ભાઈઓને ઝડપી લીધાં છે. બન્ને ભાઈઓએ પોતાના ઘરે નશાની અવેજમાં ચાલતા પીણાંની મીની ફેક્ટરી બનાવી દીધી છે. ગારિયાધાર પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
ગારિયાધારમાં ન્યૂ માણીયા બ્રધર્સ નામની દુકાનેથી આજવા લાઈમ નામની આલ્કોહોલિક કન્ટેન્ટવાળી ૫૮૨ બોટલ કિંમત રૂ.૪૦,૭૪૦ સાથે ખુશાલ સવજીભાઈ માણીયા (રહે.ગોકુળધામ સોસાયટી, ગારિયાધાર)ને ગારિયાધાર પોલીસે ઝડપી લઈ પુછપરછ કરતા તે આ જથ્થો પોતાના ભાઈ જીજ્ઞોશ સવજીભાઈ માણીયા પાસેથી વેચાણ માટે ખરીદી હોવાનું તથા દેશી દારૂ પીવાની ટેવવાળા શખ્સો આવી બોટલ લેવા આવતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે સીતારામનગરમાં આવેલ જીજ્ઞોશ સવજીભાઈ માણીયાના રહેણાંકે તપાસ કરતા તેમના ઘરેથી અલગ-અલગ ફ્લેવરની આલ્કોહોલિક કોલાની બોટલ, ઈથેનોલ કેમીકલ ભરેલ ટીપ સહિત કુલ રૂ.૧૫.૪૭ લાખનો મુદ્દામાલ સાથે જીજ્ઞોશ સવજીભાઈ માણીયાને ઝડપી લઈ પુછપરછ કરતા તે આ જથ્થો પાલિતાણા ખાતે પારેખ ફુટવેરના નામે વેપાર કરતા જીલન પારેખ પાસેથી લાવ્યો હોવાનું અને પોતાના ભાઈ સાથે રહેણાંકી મકાને બનાવેલા શેડમાં જાતે પરફ્યુમજન્ય નશાયુક્ત આલ્કોહોલિક પ્રવાહીનું મેન્યુફેક્ચર કરી છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા હતા અને ઈથેનોલ (આલ્કોહોલ)નો જથ્થો તેઓ મુંબઈથી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. આ અંગે ગારિયાધાર પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.