જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક નાસ્તાની રેકડી ચલાવતો એક શખ્સ નાસ્તાની લારીમાં ૧૧ વર્ષના બાળક પાસે બાળમજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવતાં તે બાળકને મુક્ત કરાવીને ચિલ્ડ્રન હોમમાં મૂકી આપ્યું છે, જયારે રેકડી ધારક સામે પંચકોશી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છેકે જામનગરની શ્રમ આયુક્ત વિભાગની કચેરી અને તેને સંલગ્ન અન્ય સમગ્ર ટીમ સાથેની બનાવેલી ટાસ્ક ફોર્સ ની ટુકડી દ્વારા બાળ મજૂરી કાયદાની અમલવારીના સંદર્ભમાં ગઈકાલે દરેડ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે દરેડ જજીઆઇડીસી પટેલ ચોક વિસ્તારમાં પટેલ ગાંઠીયા ભજીયા નામની લારી ચલાવતા એક વિક્રેતા દ્વારા પોતાની નાસ્તાની લારીમાં નાની વયના બાળક પાસે મજૂરી કામ કરાવાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે ચેકિંગ દરમિયાન 11 વર્ષની વયનો એક બાળક ત્યાં મજૂરી કામ કરતાં મળી આવ્યો હતો. જેથી બાળકનો કબજો સંભાળી તેને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યો છે, જ્યારે જામનગરની શ્રમ આયોગ વિભાગની કચેરીના સરકારી અધિકારી ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા છે, અને રેકડી ધારક હાર્દિક ભાઈ બુસા સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે બાળમજૂરી ધારા એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.