Billionaire Businessman B.R.Shetty History : દોમ દોમ સાહ્યબીમાં જીવતો, અબજો રૂપિયામાં આળોટતો માણસ રાતોરાત રસ્તા પર આવી જાય, એવા કિસ્સાથી ઈતિહાસ ભર્યો પડ્યો છે. ભારતીય મૂળના ઉદ્યોગપતિ બી.આર. શેટ્ટી પણ એવા જ એક અબજોપતિ છે, જે એક સમયે યુએઈમાં ઘણી કંપનીઓના માલિક હતા અને રૂ. 18000 કરોડની સંપત્તિ ધરાવતા હતા, પરંતુ એક ભૂલે તેમને બરબાદ કરી નાંખ્યા. હાલ તેમની સાથે યુએઈની સાથે ભારતમાં પણ તપાસ ચાલી રહી છે, જેથી તેઓ ફરી એકવાર ચર્ચામાં છે.
ચાલો, આ રસપ્રદ કિસ્સા વિશે વિગતવાર જાણીએ.
કોણ છે બી. આર. શેટ્ટી?
બી.આર. શેટ્ટી એટલે કે બાવાગુથુ રઘુરામ શેટ્ટીનો જન્મ પહેલી ઓગસ્ટ, 1942ના રોજ (તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના અને વર્તમાનમાં કર્ણાટકના) ઉડુપી જિલ્લામાં એક મધ્યમવર્ગી પરિવારમાં થયો હતો. એક સમયે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક હતા. વર્ષ 2015માં તો તેમને ફોર્બ્સની ભારતના 100 સૌથી ધનિકોની યાદીમાં સ્થાન મળ્યું હતું. વર્ષ 2019માં તેઓ આ યાદીમાં 42મા ક્રમે હતા.
ફક્ત 8 ડોલર સાથે કરી હતી શરૂઆત
બી.આર. શેટ્ટીએ કારકિર્દીની શરૂઆત મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કરી હતી. વર્ષ 1973માં 31 વર્ષની ઉંમરે તેઓ ફક્ત 8 ડોલર લઈને દુબઈ જઈને વસ્યા હતા. શરૂઆતમાં તેઓ ઘરેઘરે જઈને દવાઓ વેચતા. ધીમેધીમે તેમણે શ્રીમંત અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનાવ્યા. 1975માં તેમણે યુએઈની પ્રથમ ખાનગી મેડિકલ કેર કંપની ‘ન્યુ મેડિકલ સેન્ટર હેલ્થ’ (NMC health)ની સ્થાપના કરી.
NMCનો વણથંભ્યો વિકાસ
NMCનું સંચાલન શેટ્ટીના પત્ની ચંદ્રકુમારી શેટ્ટી દ્વારા કરાતું. તે સમયે તેઓ ક્લિનિકમાં એકમાત્ર ડૉક્ટર હતાં. આજે NMC યુએઈમાં સૌથી મોટી ખાનગી મેડિકલ સર્વિસ આપતી કંપની છે. UAE, સાઉદી અરેબિયા, ઓમાન, સ્પેન, ઈટાલી, ડેનમાર્ક, કોલંબિયા અને બ્રાઝિલ જેવા 19 દેશની 200 NMC હોસ્પિટલો દર વર્ષે ચાલીસ લાખથી વધુ દર્દીને સેવા આપે છે.
UAE એક્સચેન્જની સ્થાપના કરી
વર્ષ 1970ના દાયકાના અંતમાં બી.આર. શેટ્ટીએ જોયું કે UAEમાં રહેતા ભારતીયોને ભારતમાં તેમના પરિવારોને પૈસા મોકલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી તેમણે UAE એક્સચેન્જની સ્થાપના કરી અને સમય જતાં તેની 31 દેશોમાં 800 ઓફિસો ખુલી ગઈ.
NMC નિયોફાર્માનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિએ કર્યું
વર્ષ 2003માં બી.આર. શેટ્ટીએ NMC નિયોફાર્માની સ્થાપના કરી હતી, જેનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા અબુ ધાબીમાં કરાયું હતું.
NMC એ મેળવેલી અગણિત સિદ્ધિઓ
NMC એ ‘ગલ્ફ કોઓપરેશન કન્ટ્રીઝ’ (GCC)માં પહેલી હેલ્થકેર કંપની હતી, જે લંડન સ્ટોક એક્સચેન્જના પ્રીમિયમ સેગમેન્ટમાં લિસ્ટેડ થઈ હતી. આ ઉપરાંત NMC પ્રખ્યાત FTSE 100 ઈન્ડેક્સનો ભાગ પણ હતી.
જાહોજલાલીની ચરમસીમાએ હતા બી.આર. શેટ્ટી
હેલ્થ, ફાઈનાન્સ અને રિયલ એસ્ટેટ સહિતના વૈવિધ્યસભર વ્યવસાયિક સાહસોની સફળતાને કારણે બી.આર. શેટ્ટીની સંપત્તિ સતત વધતી ગઈ અને એક સમયે ત્રણ બિલિયન ડોલર (લગભગ રૂ. 18000 કરોડ) સુધી પહોંચી ગઈ. જાહોજલાલીની ચરમસીમાના એ સમયમાં બી.આર. શેટ્ટી વૈભવશાળી જીવન જીવતા. તેમની પાસે ખાનગી જેટ અને દુનિયાની મોંઘામાં મોંઘી કારોનો કાફલો હતો. દુબઈમાં ભવ્ય વિલા હતા. તેમણે જગતની સૌથી ઊંચી બિલ્ડિંગ એવી બુર્જ ખલીફામાં બે આખા માળ પણ ખરીદી લીધા હતા.
એક આરોપ અને પડતીની શરૂઆત થઈ
વર્ષ 2019માં અમેરિકા સ્થિત શોર્ટ-સેલર મડી વોટર્સ રિસર્ચે શેટ્ટીની કંપનીઓ સામે ગંભીર આરોપો લગાવતા X પર એક પોસ્ટ મૂકી હતી. તેમાં આરોપ લગાવાયો હતો કે, શેટ્ટીના સામ્રાજ્ય પર એક અબજ ડોલરનું દેવું હતું, અને એ હકીકત કંપનીના રોકાણકારોથી છુપાવાઈ હતી. આ ઉપરાંત રોકડ પ્રવાહના આંકડાને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરીને રોકાણકારો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ પણ લગાવાયો હતો.
આ પ્રકારની ગેરરીતિના આરોપ લાગતાં જ શેટ્ટીની કંપનીઓના શેર કડડભૂસ થવા લાગ્યા. આ દરમિયાન સ્થિતિ એ હદે બગડી કે, તેમણે તેમની રૂ. 12,478 કરોડની કંપની ઈઝરાયલ-યુએઈ કન્સોર્ટિયમને માત્ર 74 રૂપિયામાં વેચવાની ફરજ પડી.
આ પણ વાંચો : પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો
NMCની શાખનું પણ ધોવાણ થયું
વર્ષ 2020માં અબુ ધાબી કોમર્શિયલ બેંકે યુએઈ એટર્ની જનરલ ઓફિસમાં NMC હેલ્થ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી. થોડા દિવસો પછી, યુએઈની સેન્ટ્રલ બેંકે શેટ્ટીના બેંક ખાતા ફ્રીઝ કરવાનો અને તેમની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપ્યો. કથિત નાણાકીય ગેરરીતિની તપાસને કારણે લંડન સ્ટોક એક્સચેન્જમાંથી NMCને ડી-લિસ્ટ કરાઈ અને FTSE 100 ઈન્ડેક્સમાંથી પણ તેને બાકાત કરાઈ.
ભારતમાં પણ તપાસ શરૂ થઈ, ICICI બેંકના 920 કરોડ ઉધાર છે!
બી.આર. શેટ્ટી પર ફક્ત યુએઈમાં જ નહીં, ભારતમાં પણ તપાસ ચાલી રહી છે. શેટ્ટીની કંપનીઓએ કરેલી ગેરરીતિઓને લીધે સર્જાયેલા આર્થિક જોખમોની અસર ભારતીય બેંકો પર શું અસર થઈ છે, તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આમ, તો શેટ્ટી સામે છેક 2019થી ચાલુ જ છે, પણ હાલમાં આ મુદ્દો ફરી ચગ્યો છે કારણ કે, હાલ દુબઈની કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
વાત એમ છે કે, ફેબ્રુઆરી 2025માં દુબઈ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર કોર્ટે શેટ્ટીને આદેશ કર્યો હતો કે, ICICI બેંકને રૂ. 920 કરોડ (106 મિલિયન ડોલર) ચૂકવો. શેટ્ટીની કંપનીઓ (NMC હેલ્થકેર અને મોડ્યુલર કોન્સેપ્ટ્સ)એ આ રકમ વ્યક્તિગત ગેરંટીના બદલામાં ICICI બેંક પાસેથી લીધી હતી. બેંકે શેટ્ટી સામે 125 મિલિયન ડોલરથી વધુના દાવા કર્યા હતા, જેમાંથી કોર્ટે 106 મિલિયન ડોલરનો દાવો મંજૂર કર્યો હતો.
ખોટી સહીઓ કરાઈ હોવાનો શેટ્ટીનો દાવો
82 વર્ષીય શેટ્ટીએ કોઈપણ પ્રકારની વ્યક્તિગત ગેરંટી આપી હોવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, ‘લોનના દસ્તાવેજો પર મેં સહી નહોતી કરી, એ સહી બનાવટી છે. સહી મારી હોય એવું લાગે છે, પણ નકલી છે. કોઈકે આમાં છેતરપિંડી કરી છે.’
તેમણે મોડ્યુલર કોન્સેપ્ટ્સ સાથે તેમનો કોઈપણ સંબંધ હોવાનો પણ ઇનકાર કર્યો હતો.
જો કે, નકલી સહી બાબતે શેટ્ટીના દાવા પોકળ સાબિત થયા છે. એક ICICI બેંક દ્વારા નિયુક્ત અને એક શેટ્ટીના પોતાના વકીલ દ્વારા નિયુક્ત બબ્બે હસ્તાક્ષર નિષ્ણાતોએ કહ્યું છે કે, આ દસ્તાવેજ પર શેટ્ટીની જ સહી છે.
રાજામાંથી રંક બનીને કાનૂનના સાણસામાં સપડાયેલા બી.આર. શેટ્ટીનું ભવિષ્ય કેવું હશે, કોર્ટ તેમને જેલમાં ધકેલશે કે કેમ, એ જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : 2024-25માં સોનાચાંદીમાં જંગી વળતર જ્યારે ઈક્વિટીની કામગીરી નિરાશાજનક