Vice President Polls: મંગળવારે 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા, બિન-એનડીએ અને બિન-ઈન્ડિયા ગઠબંધનના રાજકીય પક્ષો પોતાના પત્તા ખોલી રહ્યા છે. દક્ષિણના રાજ્યોમાં સમર્થન મેળવવાની બંને ગઠબંધનની કોશિશો વચ્ચે, નવીન પટનાયકની BJD (બીજુ જનતા દળ) અને તેલંગાણાની (ભારત રાષ્ટ્ર સમિતિ) BRS જેવી તટસ્થ પાર્ટીઓ મતદાનમાં ભાગ ન લે તેવી શક્યતા છે, કારણ કે તેઓ બંને ગઠબંધનોથી સમાન અંતર જાળવવા માંગે છે.
YSRCPએ NDAને સમર્થન જાહેર કર્યું
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCP પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનને આંચકો આપીને એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જોકે YSRCP હાલ કોઈ ગઠબંધનમાં નથી, તેમ છતાં તેણે પોતાના રાજ્યના જ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને સમર્થન ન આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ પાર્ટીના સાંસદ અયોધ્યા રામી રેડ્ડીએ કરી છે.
BJD અને BRSનો અંતિમ નિર્ણય બાકી
BJD અને BRSના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના પક્ષોનો ટોચનો નેતાગીરી મતદાનથી દૂર રહેવાનો અંતિમ નિર્ણય લઈ શકે છે. વર્તમાન આંકડા મુજબ, NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન (439 સાંસદોના સમર્થન સાથે) વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી (324 સાંસદોના સમર્થન સાથે) પર મોટી લીડ ધરાવે છે.
સત્તાધારી ગઠબંધન તરફે સંખ્યાબળ
9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, સત્તાધારી એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન (તમિલનાડુ) અને વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી (તેલંગાણા) વચ્ચે સીધો મુકાબલો છે. વિપક્ષ આ ચૂંટણીને વૈચારિક લડાઈ ગણાવે છે, પરંતુ સંખ્યાબળ સત્તાધારી પક્ષના પક્ષમાં હોવાથી તેમનું પલડું ભારે છે.
સંસદ ભવનના રૂમ નંબર F-101માં મતદાન
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે, મતદાન 9 સપ્ટેમ્બરે, સંસદ ભવનના રૂમ નંબર F-101 માં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીએ જણાવ્યું કે આ ચૂંટણીના મતદાર મંડળમાં સંસદના બંને ગૃહોના સભ્યો, જેમાં રાજ્યસભાના નામાંકિત સભ્યોનો પણ સમાવેશ થાય છે, ભાગ લઈ શકશે.
આ પણ વાંચો: VIDEO : કાદવ જોઈ યુવકના ખભા પર સવાર થયા સાંસદ, પૂરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા
મતગણતરી આવતીકાલે સાંજે 6 વાગ્યે શરૂ થશે
ચૂંટણી અધિકારી અને રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીએ જણાવ્યું કે મતદાનની વ્યવસ્થા સંસદ ભવનમાં કરવામાં આવી છે. મતગણતરી મંગળવારે સાંજે 6 વાગ્યે શરૂ થશે અને પરિણામ તરત જ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ભાજપના નેતા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે.
મતદાર મંડળમાં કુલ 788 સભ્યો
79 વર્ષીય પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ બી. સુદર્શન રેડ્ડી, જે જુલાઈ 2011માં નિવૃત્ત થયા હતા, તેમણે છત્તીસગઢની સલવા જુડુમ ટુકડીને ગેરબંધારણીય જાહેર કરી હતી અને બેહિસાબી નાણાં પરત લાવવા SIT રચવાનો આદેશ આપ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં કુલ 788 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા, 12 નામાંકિત અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. હાલમાં 781 સભ્યો સક્રિય છે.