Jamnagar News : જામનગર શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને બિસ્માર રસ્તાઓના પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપ સામે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો. આજે કોંગ્રેસના કાર્યકરોએ મેયરની ચેમ્બર અને સ્ટેન્ડિંગ કમિટીના હોલ પાસે ઢોલ, નગારા, ઝાલર અને ઘંટ વગાડીને મેયરને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. મેયર ઓફિસમાં હાજર ન હોવાથી તેમની ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડી દેવામાં આવ્યું હતું.
જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ્દે વિરોધ
આ આવેદનપત્રમાં કોંગ્રેસે તંત્ર અને મેયર પર આકરા પ્રહારો કર્યા છે. આવેદનમાં જણાવાયું છે કે, “મેયર સત્તાના નશામાં હોદ્દાનું ભાન ભૂલી ગયા હોય તેમ લાગે છે. ખુદ મેયરના વોર્ડમાં પણ અનેક સમસ્યાઓ છે, છતાં કામ કરાવવાના બદલે કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે. શું લોકોએ 40 ટકા કમિશન ખાવા માટે મત આપ્યા હતા?” કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રસ્તાના ખાડા તો ભરાયા નથી, પરંતુ કમિશનથી ખિસ્સા ભરાઈ ગયા છે.
આ ઉપરાંત, આવેદનપત્રમાં શહેરની અન્ય મુખ્ય સમસ્યાઓ જેવી કે ખરાબ રસ્તાઓ, કચરાના ઢગલા, અપૂરતી સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ ન થતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે શાસકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ આવેદનપત્ર માત્ર વાંચીને ફેંકી દેવા માટે નથી, પરંતુ જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
આ પણ વાંચો: વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા ‘સત્તાધીશો જવાબ દો, હિસાબ દો’ ના નારા સાથે વિરોધ પ્રદર્શન
આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા જે.પી. મારવિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસના અગ્રણી સહારાબેન મકવાણા સહિતના નેતાઓ અને કોર્પોરેટરો જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓના ઉકેલ માટે શાસકો પર દબાણ લાવવાનો હતો.