દિલ્હી એઇમ્સને જૈન દંપતિએ ભૂ્રણ સોંપ્યું
વંદનાને પાંચમાં મહિનામાં જ ગર્ભપાત થયો હોવાથી ભૂ્રણ દાનનો નિર્ણય લીધો, પરિવારે પણ સાથ આપ્યો
નવી દિલ્હી: દિલ્હી એઇમ્સને મોટી સફળતા મળી છે. એઇમ્સને પ્રથમ વખત ભૂ્રણ દાન મળ્યું છે. ૩૨ વર્ષીય વંદના જૈનને પાંચમાં મહિનામાં જ ગર્ભપાત થઇ ગયો હતો. જેને પગલે બાદમાં વંદના અને પરિવારના અન્ય લોકોએ ભૂ્રણનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. અને આ ભૂ્રણને મેડિકલ ક્ષેત્રમાં વધુ પરીક્ષણ કે સંશોધન માટે દિલ્હીની એઇમ્સને દાન કરી દેવામાં આવ્યું હતું.
ભૂ્રણને દાન કરવાનો નિર્ણય લઈ લીધા બાદ દિલ્હીમાં દેહદાન માટે કામ કરતી એક સમિતિનો વંદના અને તેના પરિવાર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. બાદમાં આ સમિતિએ તુરંત જ દિલ્હી એઇમ્સના અધિકારીઓ અને ડોક્ટરોનો સંપર્ક કર્યો. એઇમ્સના એનાટોમી વિભાગના ડો. એસ. બી. રાય અને તેમની ટીમ સાથે વાતચીત થઇ. ટીમના સહયોગથી બાદમાં તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી. પરિવારે દાન આપવા માટે સવારે આઠ વાગ્યે સંપર્ક કર્યો હતો. જ્યારે તેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આખો દિવસ લાગી ગયો હતો અને સાંજે સાત વાગ્યે એઇમ્સે પોતાનું પ્રથમ ભૂ્રણ દાન સ્વીકાર કર્યું હતું. ભૂ્રણ દાન આવનારા સમયમાં નવા સંશોધન અને મેડિકલ ક્ષેત્રે શિક્ષણ માટે એક મોટો આધાર માનવામાં આવે છે. એઇમ્સના એનાટોમી વિભાગના પ્રોફેસર ડો. સુબ્રત બાસુએ આ અંગે વધુ જાણકારી આપતા મીડિયાને જણાવ્યું હતું કે માનવ શરીરનો વિકાસ કેવી રીતે થાય છે તે જાણવા માટે ભૂ્રણનું પરીક્ષણ ઘણુ જ જરૂરી છે. સંશોધનમાં અમને એ જાણવા મળે છે કેવી રીતે શરીરના અલગ અલગ અંગો અલગ અલગ સમયે વિકસિત થાય છે. આ પ્રકારના સંશોધન મેડિકલ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાાનિકોને ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે. બાળકની આશા ધરાવતા પરિવારમાં પણ ભૂ્રણ દાનથી સમાજને મદદરૂપ થયાનો સંતોષ જોવા મળ્યો હતો.