ગીયોડ અંબાજી મંદિરેથી પરત જતા મિત્રોને અકસ્માત નડયો
હાઇવે ઉપર ઈન્ડીકેટર વગર ઊભી રહેતી ટ્રકો જોખમી ઃ ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર રોડ ઉપર
ઊભેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતા ગીયોડ અંબાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા
નરોડાના પાંચ યુવાનો ઘાયલ થયા હતા. જેના પગલે તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જે મામલે ચિલોડા પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો
દાખલ કર્યો છે.
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે માર્ગો ઉપર કોઈપણ પ્રકારના ઇન્ડિકેટર વગર ઊભી રહેતી ટ્રકો જોખમી
સાબિત થઈ રહી છે. બે દિવસ અગાઉ જ ચિલોડા સર્કલ નજીક પસાર થઈ રહેલી કાર રોડ ઉપર ઉભી
રહેલી ટ્રકની પાછળ ઘૂસી જતા એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે હજી પણ આ પ્રકારની
બેદરકારી ટ્રક ચાલકો દ્વારા દાખવવામાં આવી રહી છે. જેના કારણે નરોડામાં રહેતા પાંચ
યુવાનો ઘાયલ થયા છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના નરોડા ખાતે પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ સુરજસિંહ ચૌહાણ અને
તેમના ચાર મિત્રો મહાદેવસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત, હિંમતભાઈ જયંતિભાઈ ગોહિલ, મુકેશભાઈ રામવરન બગેલ અને મહેન્દ્રભાઈ દુધનાથ ગોડ ગઈકાલે
ભાદરવી પૂનમ નિમિત્તે કાર લઈને ગીયોડ ખાતે અંબાજી મંદિરના દર્શન કરવા માટે આવ્યા
હતા અને ત્યાંથી દર્શન કરીને તેઓ પરત નરોડા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન
મહુન્દ્રા બ્રિજ ઉપર રોડ ઉપર કોઈપણ પ્રકારના ઇન્ડિકેટર વગર એક ટ્રક ઉભી હતી અને
તેની પાછળ તેમની કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આ પાંચે મિત્રોને નાની
મોટી ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહાદેવસિંહને વધુ
ઈજાઓ થઈ હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જે
મામલે ચિલોડા પોલીસ દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં
આવી છે.