ભારતના મુખ્ય આર્થિક સલાહકારનો મત
ટેરિફની અસરનો આધાર તે કેટલા સમય સુધી લાગેલા રહે છે તેના પર રહેલો છે
નવી દિલ્હી: ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંતા નાગેશ્વરને જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નાખેલો ૫૦ ટકા ટેરિફ આ વર્ષે દેશની જીડીપીમાં ૦.૫ ટકા ફટકો મારી શકે છે.
તેમણે ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ બધાનો આધાર ટેરિફ કેટલો સમય રહે છે તેના પર રહેશે. વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી પર તેની અસર ૦.૫થી ૦.૬ ટકા સુધી પડી શકે છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયન ઓઇલની આયાતથી મોસ્કોના યુદ્ધના ફંડિંગને આર્થિક તાકાત મળી રહી છે. આ જ કારણસર તેણે ભારત પરનો ટેરિફ ગયા મહિને બમણો ટેરિફ કરી નાખ્યો.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું ઓઇલ આયાતાકાર અને વપરાશકાર છે. તે રશિયન ઓઇલ ખરીદવાનું જારી રાખશે, કેમકે તે આર્થિક રીતે ફાયદાકારક છે. ટ્રમ્પના ટેરિફની અસર ભારતની ૮૭ અબજ ડોલરની કુલ નિકાસના ૫૫ ટકા હિસ્સા પર પડી શકે છે. આ ટેરિફ છતાં નાગેશ્વરને સરકારના જીડીપીમાં ૬.૩ ટકાથી ૬.૮ ટકાની વૃદ્ધિના અંદાજને જાળવ્યો છે. એપ્રિલથી જુન ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રએ ૭.૮ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ તેજ છે. તેમણે જણાવ્યું હતું કે વપરાશ અને ટેક્સમાં કાપની સાથે આઠ વર્ષમાં જૂનમાં લઘુત્તમ દરે મોંઘવારીની સાથે સામાન્ય લોકોના ખિસ્સામાં વધારે રૂપિયા છોડયા છે, જેથી ખર્ચ વધશે અને અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.