અમદાવાદ, સોમવાર
વસ્ત્રાલમાં મિત્રો સાથે આખી રાત પત્તા રમ્યા બાદ સવારે મિત્રો સાથે યુવક નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કર્યા રિક્ષામાં બેસીને ઘરે આવતી વખતે રસ્તામાં રજનીગંધા લાવવા બાબતે તકરાર થઇ હતી. જેથી ઉશ્કેરાઇને આરોપીએ લાફો મારતા યુવક રોડ ઉપર પટકાતા માથામાં ગંભીર ઇજાઓ થઇે હતી અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ગભરાયેલા મિત્રો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા જ્યાં બ્રેઇન હેમરેજના કારણે બેભાન હાલતમાં ૧૨ દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું હતું. રામોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને આરોપી સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બેભાન હાલતમાં ૧૨ દિવસની સારવાર બાદ મોત ઃ રામોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને આરોપીની ધકપકડ કરી
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલમાં રહેતા ભાવેશ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૭-૦૮-૨૫ના રોજ રાતે સમય તેમનો પુત્ર કરણ (ઉ.વ.૨૩) મિત્રો સાથે ગયા બાદ મોડી રાત સુધી ઘરે આવ્યો ન હતો અને બીજા દિવસે સવારે તેના મિત્રોએ ઘેરા આવીને તમારા પુત્રએ નશો કર્યો હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા તેમ કહ્યુ હતું.
જેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ જઇને ડોકટરોને પૂછતા તેમના દિકરાને માથાના ભાગે ઈજા પહોંચી છે અને હેમરેજ થયું હોવાથી તે બેભાન અવસ્થામાં છે. જો કે સારવાર દરમિયાન તા. ૩૦ના રોજ મોત થયુ હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી મૃતકના મિત્રોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તા. ૧૭ નારોજ રાતે બધા મિત્રો પત્તા રમીને સવારે ચા-નાસ્તો કરવા માટે રિક્ષા લઈને ગયા હતા અને નાસ્તો કર્યા પછી પાનના ગલ્લે બધા મિત્રો મજાક મસ્તી કરતા હતા. આ સમયે રજનીગંધાની પડીકી બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઇ અને આરોપી રીક્ષામાંથી ઉતરીને ફરિયાદીના પુત્રનએ ગાલ પર લાફો મારતા કરણ જમીન ઉપર પટકાયો હતો અને તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.