વડોદરા,પાદરાના જાસપુરા ગામે રહેતા ૬૦ વર્ષના વૃદ્ધા ભાયલી ગામમાં મકાનમાં સાફ સફાઇના કામ માટે આવતા હતા. આજે તેઓ લિફ્ટમાં ફસાઇ ગયા હતા. લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા ત્રીજા માળેથી નીચે પટકાતા તેઓનું મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,પાદરા તાલુકાના જાસપુર ગામે નવી નગરીમાં રહેતા ૬૦ વર્ષના મધુબેન રાવજીભાઇ પઢિયાર ભાયલી ગામમાં સાફ સફાઇ કામ માટે આવતા હતા. આજે તેઓ ભાયલી ગામ ગ્રીન ફિલ્ડ – ૩ ના જે ટાવરના પાંચમા માળે સફાઇ કામ માટે ગયા હતા. કામ પતાવીને તેઓ લિફ્ટમાં નીચે ઉતરતા હતા. તે દરમિયાન લાઇટ જતા લિફ્ટ ત્રીજા અને ચોથા માળની વચ્ચે અટકી ગઇ હતી. તેમણે લિફ્ટનો દરવાજો જોર જોરથી ખખડાવતા ૧૦ વર્ષનો બાળક દોડી આવ્યો હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે, ચિંતા ના કરો. હું ચાવી લઇને આવું છે. બાળક ચાવી લઇને આવે તે પહેલા મધુબેને જોર લગાવી લિફ્ટના દરવાજા ખોલી કાઢ્યા હતા. પરંતુ, લિફ્ટ વચ્ચે ફસાઇ ગઇ હોવાથી તેઓને બહાર નીકળવામાં તકલીફ થતી હતી. જેથી, ૧૦ વર્ષનો બાળક ટેબલ લેવા ગયો હતો. પરંતુ, ત્યાં સુધી મધુબેને લિફ્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા તેમનો પગ લપસતા તેઓ લિફ્ટની વચ્ચેની જગ્યામાંથી નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા થતા મોત થયું હતું.