– ઠેર ઠેર ગ્રામસભા બોલાવી ઠરાવો કરવાનું શરૂ
– ઠાસરા, ડાકોર, ખેડા, કણજરી, મહુધા પાલિકામાં ગામોને ભેળવવાના નિર્ણય સામે આંદોલનના ભણકારા
નડિયાદ : ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકાઓમાં ૩૦ ગામોને ભેળવવા સામે ત્રણ દિવસથી વિરોધ ઉઠયો છે. ગામોએ ગ્રામસભા બોલાવી પાલિકાઓમાં ન ભળવા માટે ઠરાવ મંજૂર કરી અંતિમ હથિયાર આગળ ધર્યું છે.
ખેડા જિલ્લાના ઠાસરા, ડાકોર, ખેડા, કણજરી અને મહુધા પાલિકાઓમાં કુલ ૩૦ જેટલા ગામોને સમાવવા માટે દરખાસ્ત તૈયાર કરી કલેક્ટરના અભિપ્રાય સાથે રજૂ કરવા ચીફ ઓફિસરોને આદેશ કરાયો છે. આદેશની સાથે જ પાંચ પાલિકાઓમાં જે ગામોને જોડવાની વાતો ઉઠી તે તમામ ગામોમાંથી વિરોધના વંટોળ ઉઠયા છે. નગરપાલિકાના વિસ્તરણ અને ગામોને જોડવાની વાતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ ગામોમાંથી નિર્ણયને તઘલખી અને ગેરવાજબી ગણાવાયો છે. ત્યારે દરેક ગામમાં વિરોધ દર્શાવવા ગ્રામસભાઓ બોલાવવામાં આવી રહી છે. ગામોએ પોતાની અસ્મિતા જાળવવા ગ્રામસભાનો ઠરાવ કરી નિર્ણયો પણ કરાઈ રહ્યા છે.
આકસ્મિક રીતે શરૂ થયેલા શહેરીકરણના મામલે તમામ ગામોમાંથી જાણવા મળ્યું છે કે, દરખાસ્ત મોકલતા પહેલા મત વિસ્તારમાં આવતા અને પોતે જે ગામોને શહેરમાં ભેળવવાની માંગણી કરી, તે ગામોના અગ્રણીઓ અને પોતાના જ કાર્યકર્તાઓનો મત લેવાયો નથી.
સેવાલિયા અને માતર નગરપાલિકા બનાવવાનું આયોજન
સેવાલિયા અને માતર હાલ ગ્રામપંચયાત છે. ત્યારે સેવાલિયામાં ૬ અને માતરમાં પાંચ ગામોનો સમાવેશ કરી નગરપાલિકા જાહેર કરવા માટે પણ કવાયત શરૂ થઈ છે. ત્યારે અહીં પણ પાલિકા બનાવવા સામે વિરોધ ઉઠયો છે. પાયાની સુવિધાનો જ્યાં અભાવ છે ગ્રામજનો સુધી સુવિધાઓ પહોંચી નથી ત્યારે આ મુદ્દે કેવા નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે.