નવી દિલ્હી : વિદેશી બ્રોકિંગ હાઉસો ભારતીય શેર બજારો-ઈક્વિટી માર્કેટ માટે આગામી દિવસોમાં ટ્રેન્ડ સાવચેતીનો રહેવાનો અંદાજ બતાવવા લાગ્યા છે. બ્રોકિંગ હાઉસો પૈકી કેટલાકે તાજેતરમાં માર્ચ ૨૦૨૬માં નિફટીના તેના ટાર્ગેટને વધારીને મૂક્યા બાદ ફરી સાવચેત બન્યા હોવાનું જાણવા મળે છે.
નોમુરા દ્વારા નિફટી માટે તેના અગાઉના ટાર્ગેટ ૨૩,૯૭૦ને વધારીને ૨૬,૧૪૦ મૂકાયો હતો. જે વર્તમાન લેવલથી ૬ ટકા જેટલો વધારો સૂચવે છે. જ્યારે બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ તેના વર્ષ ૨૦૨૫ના અંત માટેના નિફટીના ટાર્ગેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નોમુરાનું માનવું છે કે, નિફટી અત્યારે એક વર્ષના ફોરવર્ડ અર્નિંગે ૨૦.૫ ગુણાંકે ટ્રેડ થઈ રહ્યો છે. જે છેલ્લા ત્રણ વર્ષની ટ્રેડિંગ રેન્જની ઊંચી સપાટી નજીક છે. જો કે ફેવરેબલ સ્પ્રેડ અર્નિંગ યીલ્ડ અને બોન્ડ યીલ્ડ વચ્ચે માઈનસ ૧.૪ ટકા છે. જે રેન્જના ઉપલા સ્તરે છે અને એ છેલ્લા ચાર વર્ષમાં પ્રવર્તતું જોવાયું છે. નોમુરાએ નિફટી માટે માર્ચ ૨૦૨૬નો ટાર્ગેટ ૨૬,૧૪૦ મૂક્યો હતો.
બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે પણ વૈશ્વિક મેક્રો આર્થિક પરિબળોને ધ્યાનમાં લઈને ભારતીય બજારો માટે સાવચેતી બતાવી છે. વર્તમાન સ્ટીમ્યુલસથી બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝનું માનવું છે કે, એ ભારતને જીડીપી વૃદ્વિ લાવવામાં મૂડી ખર્ચ અને વપરાશ વૃદ્વિમાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ આ રિકવરી ધૂંધળી છે.
જેથી બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે જીડીપી વૃદ્વિનો અંદાજ નાણા વર્ષ ૨૦૨૬ માટે મર્યાદિત ૬.૩ ટકા મૂક્યો છે. જેની સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૬.૫ ટકા મૂક્યો છે. બ્રોકિંગ હાઉસનું માનવું છે કે, તાજેતરની તેજીને જોતાં નિફટી તેના વર્ષાંતના ટાર્ગેટ ૨૫,૦૦૦ નજીક છે. જેથી વધુ કોઈ સુધારાને અવકાશ નથી. આ માટે સાત જેટલા જોખમોને લઈને નિફટી, લાર્જ કેપ બાબતે બ્રોકિંગ હાઉસે સાવચેતી બતાવી છે.