મુંબઈ : વૈશ્વિક સ્તરે મજબૂત માગને પરિણામે ચાંદીના ભાવ ઉછળીને ૧૪ વર્ષની ટોચે જોવા મળ્યા હતા. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આકર્ષક ઘટાડાની ધારણાં, ડોલરમાં નબળાઈ અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડા જેવા પરિબળોને કારણે ચાંદીમાં તેજી જળવાઈ રહી છે. ચાંદીમાં પૂરવઠા ખેંચ સામે ઔદ્યોગિક માગ વધી રહી હોવાને કારણે પણ ભાવને ટેકો મળી રહ્યો છે.
સોનામાં પણ ભાવ સુધારા તરફી રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુમાં સુધારો આગળ ધપ્યો હતો. ઓપેક તથા સાથી દેશો દ્વારા ઉત્પાદન વૃદ્ધિ સાધારણ રહેવાની શકયતાએ ક્રુડ તેલમાં ભાવ ફરી સુધારા તરફી રહ્યા હતા.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૪૦૦ જેટલા વધી રૂપિયા ૧૦૯૪૭૫ જ્યારે ૯૯.૫૦ના જીએસટી વગરના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૦૯,૦૩૭ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૨૪,૭૭૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૩,૨૦૦ સાથે નવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૨,૯૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૨૬,૦૦૦ બોલાતા હતા. અમદાવાદ સોનામાં નવી ઊંચી સપાટી જોવા મળી હતી.
વિશ્વ બજારમાં સોનામાં પ્રતિ ઔંસ ૩૬૬૦ ડોલર સાથે સુધારો જળવાઈ રહ્યો હતો. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૪૧.૪૮ ડોલર સાથે ૧૪ વર્ષની ટોચે પહોંચ્યા બાદ મોડી સાંજે ૪૧.૨૨ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૮૮ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૩૫ ડોલર કવોટ થતું હતું. ઔદ્યોગિક માગ ઉપરાંત ખાણમાં ચાંદીનું ઉત્પાદન ઘટી જતા પૂરવઠા ખેંચ ઊભી થવાની શકયતાએ ચાંદીમાં સુધારા તરફી ચાલ જળવાઈ રહી છે.
રશિયા પર અમેરિકાના વધુ સૂચિત પ્રતિબંધો અને ઓપેક તથા ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રીઝ (ઓપેક) તથા સભ્ય દેશો દ્વારા ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારો સાધારણ રહેવાના સંકેત ક્રુડ તેલમાં સુધારો જોવા મળ્યો હતો. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૨૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૬.૯૬ ડોલર મુકાતુ હતું.