Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કળિયુગી પુત્રએ પોતાના જ માતા-પિતા પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ઘેલી માતાના કૂવા નજીક બની હતી.
મળતી માહિતી મુજબ પુત્રએ અચાનક આવેશમાં આવીને પોતાના માતા-પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. તેણે પિતા અને માતાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. આ હુમલા બાદ રાક્ષસી પુત્રએ પોતાના શરીર પર પણ, ગળા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા અને હુમલો કરનાર પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યારે મૃતક પિતાના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ દ્વારા આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો સમાજ માટે એક ગંભીર ચેતવણીરૂપ છે, જ્યાં પુત્ર દ્વારા માતા-પિતા પર આ પ્રકારનો જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.