ng firecrackers without license
Vadodara : વડોદરા શહેરના નેશનલ હાઇવે નં.48 પર આવેલ સયાજી માર્કેટની બે દુકાનોમાં ગત 20 માર્ચના રોજ સાંજના સમયે આગ ફાટી નીકળી હતી. આ ઘટના મામલે પોલીસે કોઈપણ પ્રકારની સુવિધા સુરક્ષા વિના પ્લાસ્ટિકના સ્ક્રેપ અને ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરનાર બંને દુકાનદારો તથા દુકાનની નજીક શેડ દૂર કરતા વેલ્ડીંગ સમયે તણખા ઝરતા આગ લાગતા કામગીરીમાં બેદરકારી બદલ ફેબ્રિકેટર્સ વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ તથા બીએનએસ 287, 288, 289 હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા ખાતે દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં ગતરોજ ભીષણ આગ બાદ સ્લેબ તૂટી પડવાની ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં તંત્રની મોટી લાપરવાહી સામે આવી છે. ત્યારે વડોદરામાં કોઈપણ પ્રકારની સુરક્ષા અને સુવિધા અને લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનો સ્ટોક રાખનાર વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ગત 20 માર્ચના રોજ સાંજે ને.હા. નં. 48 પર આવેલ સયાજી માર્કેટ શ્રી વિષ્ણુ કો ઓ.હા.કો. લિમિટેડમાં આવેલ દુકાન નં.553માં પ્લાસ્ટિક સ્ક્રેપ ભરેલ હોય તેની ગેલેરીમાં રાખેલ પ્લાસ્ટિકન સ્ક્રેપ/દાણામાં આગ લાગી હતી. જે આગ વધુ પ્રસરતા દુકાનની બાજુમાં આવેલ દુકાન નં.552માં ફટાકડાનો જથ્થો રાખ્યો હોય તેમાં પણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ કરતા સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. દુકાન નં. 553ના માલિક સફિકભાઈ ધોબી (રહે- ગીરીરાજ સોસાયટી, જિલ્લા પંચાયત ક્વાર્ટસ્ પાસે, પાણીગેટ )ની જાણવાજોગ અરજી કપૂરાઈ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ કોલોનીમાં જગદીશ ફરસાણના પાર્કિંગમાં બનાવેલ શેડ ખોલવાનું કામ નિઝામુદ્દીન શેખ (રહે-સાઈનાથ નગર, કરોડિયા બાજવા રોડ)ને જગદીશ ફરસાણવાળાએ સોંપ્યું હતું. શેડ દૂર કરવાની કામગીરી દરમ્યાન સેફટી સાધનો વિના બેદરકારી દાખવતા લોખંડની એંગલોને મશીન દ્વારા કટીંગ કરતા સમયે તણખા પ્લાસ્ટિકના સ્ક્રેપ ઉપર પડતા આગ લાગી હતી. કોઈપણ પ્રકારની સેફટી અને સુરક્ષાના સાધનો વગર દુકાનની પાછળના ભાગે પ્લાસ્ટિકનો સ્ક્રેપ રાખવામાં આવ્યો હતો. તેમજ ફટાકડાનો સ્ટોક રાખવા માટે અશોક ખાનાની (રહે-ચતુરભાઈ પાર્ક સોસાયટી, વારસિયા રીંગરોડ) એ ફાયર બ્રિગેડમાંથી એનઓસી તથા સરકારી/અર્ધ સરકારી કચેરીમાંથી ફટાકડા રાખવા અંગેનું લાયસન્સ ન મેળવી સેફટી સુરક્ષાના કોઈપણ સાધનો ઉપલબ્ધ ન રાખી ફટાકડાનો જથ્થો સંગ્રહ કરતા ફટાકડામાં આગ પ્રસરી હતી.