પાંચ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૨૨.૧૨ લાખ કરોડનો જંગી વધારો
મુંબઈ : વૈશ્વિક બજારોમાં આજે નરમાઈથી વિપરીત નાણા વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેર બજારોમાં માર્ચ એન્ડિંગ પૂર્વે ચોપડે નફા-નુકશાનની એન્ટ્રીઓ લેવાની કવાયત સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં અને આજે-શુક્રવારે કેશમાં એફપીઆઈઝ-એફઆઈઆઈઝની રૂ.૭૪૭૦ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થતાં તેજીનું સપ્તાહ ઉજવાયું હતું. સળંગ પાંચ દિવસની તેજીમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૨૨.૧૨ લાખ કરોડનો વધારો થયો હતો. ફંડો, મહારથીઓએ સતત હેલ્થકેર-ફાર્મા, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, પાવર, ઓઈલ-ગેસ શેરોમાં મોટી ખરીદી કરતાં સેન્સેક્સ આજે ૭૭૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ટ્રા-ડે ૨૩૪૦૦ની સપાટી કુદાવી ગયો હતો. જે અંતે ૧૫૯.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૩૩૫૦.૪૦ બંધ રહ્યો હતો.જ્યારે સેન્સેક્સ અંતે ૫૫૭.૪૫ પોઈન્ટ વધીને ૭૬૯૦૫.૫૧ બંધ રહ્યો હતો. અમેરિકાની ટ્રમ્પ સરકાર ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા જઈ રહી હોઈ અને યુક્રેન મામલે રશીયાની શરતી યુદ્વ વિરામની તૈયારી અને ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાને લઈ જીઓપોલિટીકલ ચિંતાને લઈ યુરોપ, એશીયાના મોટાભાગના બજારોમાં આજે નરમાઈ રહી હતી.
ચાર વર્ષમાં નિફટીનો સાપ્તાહિક શ્રેષ્ઠ ૪.૨૬ ટકા ઉછાળો : પાંચ દિવસમાં સેન્સેક્સ ૩૦૭૬પોઈન્ટ વધ્યો
મોટા કરેકશન બાદ તેજીના પંથે ફરી સવાર થયેલા ભારતીય શેર બજારોમાં પાંચ દિવસમાં નિફટીમાં છેલ્લા ચાર વર્ષનો સૌથી મોટો ૪.૨૬ ટકા ઉછાળો નોંધાયો છે. જે ફેબુ્રઆરી ૨૦૨૧ બાદનો સૌથી મોટા સાપ્તાહિક ઉછાળો છે. નિફટી ૫૦ સ્પોટ ૧૩, માર્ચ ૨૦૨૫ના રોજ ૨૨૩૯૭.૨૦ની સપાટીએ હતો, એ એક સપ્તાહમાં ૪.૨૬ ટકા એટલે કે ૯૫૩.૨૦ પોઈન્ટ વધ્યો છે. જ્યારે સેન્સેક્સ ૧૩, માર્ચ ૨૦૨૫ના ૭૩૮૨૮.૯૧ની સપાટીએ હતો, એ એક સપ્તાહમાં ૩૦૭૬.૬૦ પોઈન્ટ એટલે કે ૪.૧૬ ટકા વધ્યો છે.
કોટક બેંક રૂ.૪૯ ઉછળી રૂ.૨૦૮૪ : એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ બેંકમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની ફરી મોટી ખરીદી થઈ હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૯.૧૫ વધીને રૂ.૨૦૮૪.૪૦, એક્સિસ બેંક રૂ.૨૨.૪૦ વધીને રૂ.૧૦૭૫.૯૦, કેનેરા બેંક રૂ.૧.૭૫ વધીને રૂ.૮૭.૬૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦.૧૦ વધીને રૂ.૧૩૪૧.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૮૦ વધીને રૂ.૭૫૩ રહ્યા હતા. આ સાથે આઈડીબીઆઈ બેંકમાં ડિસઈન્વેસ્ટમેન્ટની તૈયારીએ રૂ.૬.૧૧ ઉછળીને રૂ.૮૧.૩૫, અરમાન ફાઈનાન્શિયલ રૂ.૧૮૭.૮૦ વધીને રૂ.૧૪૩૮, હોમ ફર્સ્ટ રૂ.૯૧.૯૫ વધીને રૂ.૧૧૦૧.૫૫, જીઆઈસી રી રૂ.૩૫.૫૦ વધીને રૂ.૪૪૪.૯૦, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૨૫.૭૫ વધીને રૂ.૪૩૩૨, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૧૬.૭૫ વધીને રૂ.૨૩૪.૨૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૬.૨૫ વધીને રૂ.૯૭.૬૫, યુટીઆઈ એએમસી રૂ.૬૩.૮૫ વધીને રૂ.૧૦૫૩ રહ્યા હતા.
ગ્રાઈન્ડવેલ રૂ.૧૧૪ ઉછળી રૂ.૧૭૭૫ : ટીટાગ્રહ રૂ.૪૨, કેઈન્સ રૂ.૨૧૨, કાર્બોરેન્ડમ રૂ.૩૮ ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી જળવાઈ હતી. ગ્રાઈન્ડવેલ રૂ.૧૧૪.૧૫ વધીને રૂ.૧૭૭૪.૮૫, ટીટાગ્રહ રૂ.૪૧.૭૦ વધીને રૂ.૭૮૪.૫૦, કેઈન્સ રૂ.૨૧૨.૪૫ વધીને રૂ.૪૮૫૧.૫૫, શેફલર રૂ.૧૬૧.૪૦ વધીને રૂ.૩૬૮૫, કલ્પતરૂ પાવર રૂ.૩૯.૮૦ વધીને રૂ.૯૭૯.૩૫, કાર્બોરેન્ડમ રૂ.૩૮.૫૦ વધીને રૂ.૧૦૧૬.૫૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૦૭.૨૫ વધીને રૂ.૩૩૬૧, ભેલ રૂ.૫.૩૫ વધીને રૂ.૨૧૧.૮૦, ભારત ડાયનામિક્સ રૂ.૨૮.૬૫ વધીને રૂ.૧૨૭૫.૪૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૬૮.૧૫ વધીને રૂ.૩૪૧૭.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૨૨૩.૬૫ વધીને રૂ.૧૨,૧૦૪.૬૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૭૧.૧૦ વધીને રૂ.૩૮૮૮.૭૫ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં ફંડોની તેજી : એપીએલ રૂ.૧૧૪ ઉછળી રૂ.૯૪૮ : કોપરાન, મેનકાઈન્ડ, નોવાર્ટિસ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં સપ્તાહ દરમિયાન સતત મોટી ખરીદી થયા સાથે ફોરેન ફંડોએ વ્યાપક લેવાલી કર્યાની ચર્ચા વચ્ચે આજે વધુ ઉછાળો આવ્યો હતો. એપીએલ લિમિટેડ રૂ.૧૧૩.૬૦ ઉછળી રૂ.૯૪૭.૭૫, સુપ્રિયા લાઈફ રૂ.૮૧.૦૫ વધીને રૂ.૭૨૭, કોપરાન રૂ.૧૩.૨૫ વધીને રૂ.૧૯૩.૧૦, મેનકાઈન્ડ રૂ.૧૫૪.૫૫ વધીને રૂ.૨૪૦૦.૫૫, નોવાર્ટિસ રૂ.૫૩.૫૫ વધીને રૂ.૮૪૨, યુનિકેમ લેબ રૂ.૪૩.૨૦ વધીને રૂ.૭૦૭.૭૫, અજન્તા ફાર્મા રૂ.૧૩૧.૩૦ વધીને રૂ.૨૭૫૮, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૮.૧૫ વધીને રૂ.૪૦૭.૯૦, ટારસન્સ રૂ.૧૩.૮૦ વધીને રૂ.૩૩૦.૬૦, વોખાર્ટ રૂ.૫૯.૦૫ વધીને રૂ.૧૫૨૮, સનોફી રૂ.૧૯૭.૦૫ વધીને રૂ.૫૯૦૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં સાઈલેન્ટ દિગ્ગજ ફરી તેજીમાં આવ્યા : ટીવીએસ, મધરસન, બજાજ, ટાટા મોટર્સ ઉછળ્યા
ઓટોમોબાઈલ શેરોમાં સાઈલેન્ટ દિગ્ગજ ફરી તેજીમાં આવ્યાની ચર્ચા વચ્ચે સંખ્યાબંધ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ટીવીએસ મોટર રૂ.૭૮.૨૫ વધીને રૂ.૨૪૨૫, મધરસન રૂ.૨.૮૦ વધીને રૂ.૧૩૧.૪૫, બજાજ ઓટો રૂ.૧૬૩.૭૫ વધીને રૂ.૮૦૮૩.૮૫, ટાટા મોટર્સ રૂ.૧૨.૭૦ વધીને રૂ.૭૦૨.૮૫, અશોક લેલેન્ડ રૂ.૩.૧૦ વધીને રૂ.૨૧૦.૬૫, આઈશર મોટર્સ રૂ.૬૯.૮૦ વધીને રૂ.૫૨૯૯.૭૦, એમઆરએફ રૂ.૧૧૭૫.૭૦ વધીને રૂ.૧,૧૨,૨૫૦, હીરો મોટોકોર્પ રૂ.૩૪.૯૦ વધીને રૂ.૩૬૩૧.૮૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલમાં નરમાઈ : એચપીસીએલ રૂ.૨૧ ઉછળી રૂ.૩૫૭ : ગેઈલ, ઓએનજીસી, બીપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહી બ્રેન્ટ ક્રુડ ૭૧.૬૫ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૬૭.૭૮ ડોલર નજીક આવી જતાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. એચપીસીએલ રૂ.૨૦.૫૦ વધીને રૂ.૩૫૭.૦૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૬.૨૫ વધીને રૂ.૧૭૪.૭૦, ઓએનજીસી રૂ.૬.૮૦ વધીને રૂ.૨૪૨.૫૫, બીપીસીએલ રૂ.૭.૭૫ વધીને રૂ.૨૭૯.૭૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૬૩૧, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૯૦ વધીને રૂ.૧૨૭૬.૪૫ રહ્યા હતા.
અદાણી ગ્રીન રૂ.૩૧ વધીને રૂ.૯૫૫ : એનએચપીસી, એનટીપીસી, ભેલ, ટાટા પાવરમાં ફંડો લેવાલ
પાવર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. અદાણી ગ્રીન એનજીૅ રૂ.૩૧.૧૫ વધીને રૂ.૯૫૪.૫૫, એનએચપીસી રૂ.૨.૬૦ વધીને રૂ.૮૨.૫૯, એનટીપીસી રૂ.૯.૫૦ વધીને રૂ.૩૫૧.૧૫, ભેલ રૂ.૫.૩૫ વધીને રૂ.૨૧૧.૮૦, ટાટા પાવર રૂ.૯.૨૫ વધીને રૂ.૩૭૯.૪૫, પાવર ગ્રીડ કોર્પોરેશન રૂ.૩.૯૫ વધીને રૂ.૨૮૩.૯૦, ટોરન્ટ પાવર રૂ.૧૬.૯૫ વધીને રૂ.૧૪૮૫.૩૫, સિમેન્સ રૂ.૪૧.૧૦ વધીને રૂ.૫૨૩૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી મોટી તેજીનો ગોઠવાતો તખ્તો : ખરીદી વધી : ૨૮૨૩ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી તેજીનો તખ્તો ફંડો, મહારથીઓ ગોઠવી રહ્યાની ચર્ચા વચ્ચે આજે ઘણા શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. નુકશાની ચોપડે લેવા સારા શેરો વેચનારાના શેરોનું કોર્નરિંગ થતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૯૫થી વધીને ૨૮૨૩ અને ઘટનારની સંખ્યા ૧૬૩૦થી ઘટીને ૧૨૧૩ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૧૩.૩૦ લાખ કરોડ
શેરોમાં સપ્તાહના અંતે સતત ફંડો, મહારથીઓએ એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજી કરતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૬૯ લાખ કરોડ વધીને રૂ.૪૧૩.૩૦ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું. આમ પાંચ ટ્રેડિંગ દિવસ એટલે આ સપ્તાહમાં રોકાણકારોની સંપતિ રૂ.૩૯૧.૧૮ લાખ કરોડથી રૂ.૨૨.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૧૩.૩૦ લાખ કરોડ પહોંચી છે.
FPIs/FII કેશમાં રૂ.૭૪૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૨૦૨ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે શુક્રવારે શેરોમાં ફરી કેશમાં રૂ.૭૪૭૦.૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૪૯,૮૯૨.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૨,૪૨૨.૨૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૨૦૨.૨૬કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૮,૮૭૮.૯૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૦૮૧.૧૯ કરોડની વેચવાલી કરી હતી.