અમદાવાદ,ગુરુવાર,11
સપ્ટેમબર,2025
જેમ સામાન્ય ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ
મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં આડેધડ વિવિધ દરખાસ્તો મંજૂર કરી દેવાય
છે.ગુરૃવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લો ગાર્ડન વિસ્તારમાં હેપી સ્ટ્રીટ ફૂડ
પ્લાઝામાં કુલ મળીને ૭૨ પરવાનેદારોને
માસિક રુપિયા ૧૫ હજારના ભાડાથી જગ્યા ફાળવવા દરખાસ્ત મંજૂર કરાઈ હતી.નોંધનીય બાબત
એ છે કે, વર્ષ-૨૦૧૯માં
આ જગ્યામાં ૨૨ પરવાનેદારોને જગ્યા ફાળવવામા આવી હતી. જે પૈકી ૧૪ ફુડવાન ધારકોએ છ
મહીનાનુ ભાડુ કોર્પોરેશનમાં જમા નહી કરાવતા નોટિસ અપાઈ હતી.એક કરોડથી વધુની રકમ
અગાઉના પરવાનેદારો પાસેથી વસૂલવાની બાકી હોવા છતાં અધિકારીઓને જ ખબર નથી કે અગાઉના
પરવાનેદારો પાસેથી કેટલી રકમ લેહણી નીકળે છે.છ વર્ષ અગાઉ આ જગ્યા મેળવવા વિવિધ
પરવાનેદારોએ માસિક રુપિયા ૧.૨૫ લાખ સુધીનુ માસિક ભાડુ ભરવા તૈયારી બતાવી હતી.
નવરંગપુરા વોર્ડના લો-ગાર્ડન વિસ્તારમાં વર્ષ-૨૦૧૯માં હેપી
સ્ટ્રીટ ફૂડ પ્લાઝા કોર્પોરેશને શરૃ કરાવ્યુ હતુ.એ સમયે હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાની
જગ્યામાં હેરિટેજ પ્રકારની દિવાલ બનાવવા પાછળ જ રૃપિયા છ કરોડથી વધુની રકમનો ખર્ચ
કરાયો હતો.લો-ગાર્ડન વિસ્તારમાં લો-ગાર્ડન સર્કલથી એન.સી.સી.સર્કલ સુધીના રસ્તાની દક્ષિણ દિશામા
હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા બનાવાયુ એ સમયથી જ એક પછી એક નવા વિવાદ સામે આવ્યા
હતા.વધુ પડતા ભાડાની રકમને લઈને ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા.જે પછી ૧૬
જાન્યુઆરી-૨૦૨૫ના રોજ સ્ટેન્ડિંગ કમિટીએ માસિક રૃપિયા ૨૫ હજારના ભાડાથી ફૂડ વેન્ડર્સને
જગ્યા આપવા મંજૂરી આપી હતી.અગાઉ ૪૩ પરવાનેદારોને સ્ટોલ માટે મંજૂરી અપાઈ હતી.આ
પૈકી ૩૬ સ્ટોલ ધારકો ભાડુ વધારે પડતા
કોર્ટમાં ગયા હતા.જે અનુસંધાનમાં માસિક ભાડુ સ્ટોલ દીઠ રૃપિયા ૨૫ હજાર કરવા મંજૂરી
અપાઈ હતી.ગુરૃવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માસિક ભાડાની રકમ પ્રતિ સ્ટોલ દીઠ
૧૫ હજાર કરી ૩૬ પીટીશનરોને ડ્રો દ્વારા ફાળવવામા આવેલ જગ્યા ઉપરાંત જુના લો ગાર્ડન
ખાણી-પીણી બજારના ૧૨ પીટીશનરો તેમજ વધુ ૨૪ પરવાના ફૂડ પ્લાઝા માટે આપવા નિર્ણય
લેવાયો છે. કોર્પોરેશનના અધિકારીઓ પાસે આટલી મોટી સંખ્યામાં પરવાના અપાયા પછી આવનારા
વાહનો કયાં કેવી રીતે લોકો પાર્ક કરશે તે અંગે પણ કોઈ ચોકકસ આયોજન મળ્યુ નથી.