– રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના અધિકાર મુદ્દે 10 દિવસ સુનાવણી ચાલી
– સુપ્રીમે બંધારણની વ્યાખ્યા સુધી મર્યાદિત રહેવું જોઈએ, તે રાજકીય ક્ષેત્રના દરેક મુદ્દાનું સમાધાન કરનાર ‘હેડમાસ્ટર’ નથી : કેન્દ્ર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ સંદર્ભ એટલે કે પ્રેસિડેન્શિયલ રેફરન્સ મુદ્દે ૧૦ દિવસ સુધી સરકાર અને રાજ્યોની દલીલો સાંભળ્યા પછી તેનો ચૂકાદો અનામત રાખ્યો છે. રાષ્ટ્રપતિ સંદર્ભમાં રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો કે શું બંધારણીય કોર્ટ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નિશ્ચિત કરી શકે કે કેમ?
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે રાષ્ટ્રપતિ સંદર્ભ પર ૧૯ ઑગસ્ટે સુનાવણી શરૂ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત, વિક્રમનાથ, પીએસ નરસિંહા અને એએસ ચંદુરકરને સમાવતી બંધારણીય બેન્ચે ગુરુવારે ચૂકાદો અનામત રાખ્યો હતો.
આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાષ્ટ્રપતિ સંદર્ભનો વિરોધ કરનારા વિપક્ષ શાસિત રાજ્યો તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, તેલંગણા, પંજાબ અને હિમાચલ પ્રદેશની દલીલોનો વિરોધ કરતા ગુરુવારે તેમની દલીલો પૂરી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે બંધારણની વ્યાખ્યા સુધી મર્યાદિત રહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટ રાજકીય ક્ષેત્રના દરેક મુદ્દાનું સમાધાન કરનાર ‘હેડમાસ્ટર’ નથી.
તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટ બંધારણની કોઈ જોગવાઈનો અર્થ તેના પાઠય અથવા સંચરચનાત્મક મર્યાદાઓથી આગળવધીને વિસ્તાર કરશે તો તે ન્યાયતંત્રને સંસદની સમકક્ષ શક્તિ આપશે, જે બંધારણના નિર્માતાઓના ઈરાદાથી વિપરિત હશે. તેમણે કબૂલ્યું કે રાજ્યપાલ કોઈ બિલ પર અનિશ્ચિત સમય સુધી બેસી રહી શકે નહીં, પરંતુ બંધારણે રાજ્યપાલને બિલને સ્વીકૃતિ આપવા, સ્વીકૃતિ રોકવા, બિલને પુન:વિચાર માટે પાછું મોકલવા અથવા રાષ્ટ્રપતિને વિચાર માટે બિલને અનામત રાખવાનો વિવેકાધીન અધિકાર આપ્યો છે.
કેરળ અને તમિલનાડુ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલ અને કપિલ સીબલે રાષ્ટ્રપતિ સંદર્ભનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ ઉઠાવેલા મુદ્દા સુપ્રીમ કોર્ટના આઠ એપ્રિલના ચૂકાદા સહિત સુપ્રીમ કોર્ટના અનેક ચૂકાદાઓમાં સામેલ છે.
મે ૨૦૨૫માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ ૧૪૩(૧) હેઠળની શક્તિઓનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટ પાસેથી જાણવા માગ્યું હતું કે, શું રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર વિચારણા કરતી વખતે રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે ન્યાયિક આદેશો દ્વારા સમય મર્યાદા નિશ્ચિત કરાઈ શકે કે કેમ?
રાજ્યપાલોએ 94 ટકા બિલોને મંજૂરી આપી
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજ્યો દ્વારા પસાર કરાયેલા બિલોના આંકડા રજૂ કરતા દાવો કર્યો કે, ૯૪ ટકા બિલોને મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું, ૧૯૭૦ પછી રાજ્યોના રાજ્યપાલો સમક્ષ ૧૭,૧૫૦ બિલો રજૂ કરાયા હતા, જેમાંથી માત્ર ૨૦ બિલ પર સહમતી રોકવામાં આવી હતી. આ સિવાય ૯૩૩ બિલને રાષ્ટ્રપતિના વિચાર માટે અનામત રખાયા હતા. રાજ્યપાલોએ ૧૬,૧૨૨ એટલે કે ૯૪ ટકા બિલોને મંજૂરી આપી હતી, જેમાંથી ૧૪,૪૦૨ બિલ એક મહિનાની અંદર, ૬૨૩ બિલ ત્રણ મહિનામાં અને ૧૨૬ બિલને છ મહિનામાં મંજૂર કરાયા હતા. આ આંકડા ભારતીય લોકતંત્રની મજબૂતી અને બંધારણીય જોગવાઈનું પાલન દર્શાવે છે.