રદ થયેલા મતો અલગ કરી છેલ્લે ગણાશે
મતદાન કેન્દ્રો ઉપર પશુપાલકો અને સમર્થકો ઉમટી પડશે
24 ઉમેદવારોના ભાવિનો ફેંસલો : આણંદ બાદ ખેડા જિલ્લાની બેઠકો માટે 8 રાઉન્ડમાં બેલેટપેપરની ગણતરી : ઉમેદવારો અને ટેકેદારોમાં ઉત્તેજના
આણંદ: આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં તા. ૧૨મીએ સવારે ૯ વાગ્યે મતગણતરી પ્રક્રિયા શરૂ થશે. ચાર કેન્દ્રો ઉપર ૮ રાઉન્ડમાં મતગણતરી યોજાશે. ત્યારે પરિણામ બપોરે ૩ વાગ્યા સુધીમાં આવી જવાનો અંદાજ છે. ૨૪ ઉમેદવારોના ભાવિનો આવતી કાલે ફેંસલો થશે ત્યારે ટેકેદારો સહિત પશુપાલકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે.
આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની તા. ૧૦મીની ચૂંટણીમાં ૯ બેઠકો ઉપર ૯૭.૪૮ ટકા મતદાન થયું હતું. ત્યારે તા. ૧૨મીને શુક્રવારે સવારે ૯ વાગ્યાથી મતગણતરી યોજાશે. જિલ્લા તિજોરી વિભાગના સ્ટ્રોંગરૂમમાંથી મતપેટીઓ અમૂલ ડેરીના મતગણતરી કેન્દ્ર ઉપર લવાશે.
સવારે ૯ વાગ્યે ચાર મતગણતરી કેન્દ્રો ઉપર ચાર ટેબલો પર ૪-૪ બેઠકોની મતગણતરી હાથ ધરાશે.
મતપેટીઓનું સીલ ખોલી તમામ બેલેટપેપર બહાર કાઢી ઉમેદવાર દીઠ થપ્પીઓ કરાશે. દરમિયાન રદ થયેલા મતો ઉમેદવારો અને એજન્ટોને બતાવી અલગ મૂકી દેવાશે. મતગણતરી પૂર્ણ થયા બાદ છેલ્લે રદ થયેલા મતો ગણાશે.
મતગણતરી પ્રક્રિયામાં પ્રથમ આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત બેઠકોની મતગણતરી અને પરિણામ જાહેર કર્યા બાદ નડિયાદ, માતર, કઠલાલ અને કપડવંજ બેઠકોની મતગણતરી યોજાશે. અંતમાં વ્યક્તિગત સભાસદની મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. આણંદ અને ખેડા જિલ્લાના પશુપાલકો, ઉમેદવારોના પરિવારો સહિત સમર્થકો મોટી સંખ્યામાં અમૂલ ડેરીએ ઉમટી પડશે.