મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ ઈમ્પેક્ટ જોવા મળી હતી. ડોલ રનૌ ભાવ રૂ.૮૫.૨૭ વાળા આજે સવારે રૂ.૮૫.૧૮ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૦૭ થઈ ત્યારબાદ ભાવ ઝડપી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૮૫.૬૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૪૪ રહ્યા હતા.
ડોલરના ભાવ આજે ૧૭ પૈસા વધતાં રૂપિયો ૦.૨૦ ટકા તૂટયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ડોલર સામે રૂપિયાના ભાવમાં બે-તરફી મોટી અફડાતફડી ગુરૂવારે જોવા મળી હતી અને આજે પણ રૂપિયાના ભાવમાં ખાસ્સી ઉછળકૂદ દેખાતાં ખેલાડીઓમાં અજંપે વધ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકાના પ્રમુખની ટેરીફ વિષયક અનિશ્ચિત નીતિ તથા ફેડરલ રિઝર્વ અને ટ્રમપ્ વચ્ચે તંગદીલી છતાં વૈશ્વિક ડોલરના ભાવ મક્કમ રહ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર વિષયક પ્રગતિ હવે કેવી આગળ વધે છે તેના પર બજારની નજર હતી. સાઉથ કોરિયા તથા જાપાન સાથે અમેરિકાની ટ્રેડ વિષયક વાતચીત આગળ વધી રહ્યાના વાવડ હતા.
બેન્ક ઓફ જાપાનની મેના આરંભમાં મળનારી મિટિંગ પર બજારની નજર હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૯૯.૪૧ તથા ઉંચામાં ૯૯.૮૯ થઈ ૯૯.૬૭ રહ્યાના નિર્દેશો હતા. ડોલર ઈન્ડેક્સ આજે એકંદરે ૦.૩૦ ટકા પ્લસમાં રહ્યો હતો.
મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૨૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૩.૮૭ થઈ છેલ્લે ભાવ રૂ.૧૧૩.૬૪ રહ્યા હતા. જો કે યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે રૂપિયા સામે ૧૨ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૯૬.૩૩ થઈ છેલ્લે રૂ.૯૬.૯૫ રહ્યા હતા.
જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૪૮ ટકા તૂટી હતી. ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૨૦ ટકા પ્લસમાં રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ભારત તથા પાકિસ્તાનના સંબંધો વણસતાં તેની અસર મુંબઈ બજારમાં રૂપિયા પર દેખાઈ હતી.
દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ વધુ ૮.૩૧ અબજ ડોલર વધી ૬૮૬.૧૫ અબજ ડોલર થયાના સમાચાર હતા તથા તેના પગલે કરન્સી બજારમાં હવે રૂપિયામાં વધુ ઘટાડો થવાના બદલે રૂપિયો ફરી ઉંચકાયાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા વિશ્વ બજારમાં ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો ઘટી ૦.૦૦૩૬ ડોલર રહ્યો હતો.