Gujarat Assembly Monsoon Session: ગુજરાત સરકારે ફેક્ટરી ઍક્ટમાં સુધારો કરતું વિધેયક પસાર કરાવ્યું હતું. આ સુધારા અનુસાર હવે ગુજરાતમાં કાર્યરત તમામ કારખાનામાં મજૂરો-કર્મચારીઓની શિફ્ટનો સમય 9 કલાકથી વધારીને 12 કલાક કરાયો છે. અલબત્ત સપ્તાહમાં તેમની પાસે મહાત્તમ ચાર દિવસ પ્રમાણે 48 કલાક સુધી જ કામ લઈ શકાશે. કારખાનામાં કામના કલાકો નક્કી કરવામાં આવ્યા તે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો વર્ષમાં સરેરાશ માત્ર 26 દિવસ બેઠક કરે છે.
પાંચ સરકારી વિધેયક ગૃહમાં પસાર થયા હતા
ગુજરાતની વિધાનસભાનું ચોમાસું સત્ર માત્ર 3 દિવસ માટે યોજાયું હતું. આ ટૂંકા સત્ર દરમિયાન 15 કલાક 56 મિનિટ કામ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1225 તારાંકિત પ્રશ્નોના જવાબ ગૃહમાં રજૂ થયા હતા અને તે પૈકી 29 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરાઈ હતી. સત્ર દરમિયાન 53 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. પાંચ સરકારી વિધેયક ગૃહમાં પસાર થયા હતા.
પીઆરએસ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર, વર્ષ 2017થી વર્ષ 2023 દરમિયાન દેશની જે વિધાનસભામાં વર્ષના સૌથી વધુ દિવસ કામકાજ થયા છે, તેમાં કેરળ 44 દિવસ સાથે મોખરે, ઓડિશા 40 દિવસ સાથે બીજા, કર્ણાટક 40 દિવસ સાથે ત્રીજા સ્થાને છે. દેશના પૂર્વ જસ્ટિસ એમ.એન. વેંકટચલૈયાના વડપણ હેઠળના બંધારણ સમીક્ષા આયોગે વર્ષ 2002માં આપેલા રિપોર્ટમાં એવી ભલામણ કરી હતી કે નાના રાજ્યોમાં વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ અને મોટા રાજ્યોમાં 90 દિવસ બેઠક થવી જોઈએ. આ જ રીતે રાજ્યસભામાં વર્ષમાં ઓછામાં ઓછા 100 અને લોકસભામાં ઓછામાં ઓછી 120 બેઠકની ભલામણ કરાઈ હતી.
આ પણ વાંચો: ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ
જાણકારોના મતે રાજનૈતિક ઇચ્છાશક્તિનો અભાવ અને સરકારને સવાલોથી બચવું તે ઓછી બેઠક માટેનું મુખ્ય કારણ છે. સત્તાપક્ષ પાસે બહુમતીથી વધારે બેઠક હોવાથી તેમના ધારાસભ્યોને બિલ માટે ઓછો રસ હોય છે અને તેઓ જનતાના પ્રશ્નને રજૂ કરવામાં ખાસ રસ પણ ધરાવતા હોતા નથી.
ગુજરાતના ધારાસભ્યોની સેલેરી સ્લિપ
•મહિનાનો પગાર 78800 રૂપિયા
•દર મહિને મોંઘવારી ભથ્થું
•ટેલિફોન બિલના 7 હજાર રૂપિયા, પોસ્ટલ-સ્ટેશનરી ચાર્જના 5 હજાર રૂપિયા, પર્સનલ આસિસ્ટન્ટના 20 હજાર રૂપિયા.
•સત્ર ચાલુ હોય તો દૈનિક ભથ્થું 1 હજાર રૂપિયા
•પેટ્રોલ કાર માટે પ્રતિ કિ.મી. 11 રૂપિયા, ડિઝલ કાર માટે પ્રતિ કિ.મી. 10 રૂપિયા, સીએનજી કાર માટે પ્રતિ કિ.મી. 6 રૂપિયા, ટુ વ્હિલર માટે પ્રતિ કિ.મી. 2.50 રૂપિયાનું ભથ્થું.
•રેલવે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસમાં પત્ની કે પરિવારના સદસ્ય સાથે વર્ષના 10 હજાર કિમી મફત મુસાફરી
•એસટીમાં પરિવારના બે સદસ્યો સાથે મફત મુસાફરી
•વર્ષમાં ત્રણ વખત પરિવારના એક સદસ્ય સાથે મફત આવવા-જવાની હવાઈ મુસાફરી.