Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી વર્ધિત પેન્શન સ્કીમમાં સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના ફાળા સામે કોર્પોરેશન દ્વારા ચૂકવવાના થતા ફાળામાં વધારો કરવા સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલી દરખાસ્ત કોર્પોરેશનમાં તારીખ 18 ના રોજ મળનારી જનરલ બોર્ડની મીટીંગમાં મંજૂર કરવા મૂકવામાં આવી છે.
કોર્પોરેશનમાં તારીખ 1-4-2005 થી કાયમી થનાર કે નવી નિમણૂક પામનાર કર્મચારીને નવી વર્ધિત પેન્શન સ્કીમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, અને તેનો તારીખ 31 માર્ચ 2006થી અમલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ દરેક કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાની રકમ મુજબ 10% રકમ પગારમાંથી કપાત કરી તેટલી જ રકમ કોર્પોરેશનએ સંસ્થા તરીકે ફાળો ઉમેરી તેમાં દર માસે એનએસડીએલમાં જમા કરાવવાની પ્રથા હાલ અમલમાં છે. આ યોજના હેઠળ કોર્પોરેશનના 3100 જેટલા કર્મચારીઓ લાભ લઈ રહ્યા છે. ફેબ્રુઆરી 24 માં રાજ્ય સરકાર દ્વારા કર્મચારી અને સંસ્થાએ આપવા પાત્ર થતાં ફાળાની નીતિમાં ફેરફાર કરી તેમાં સુધારો કરેલ છે. નવી વર્ધિત પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીના 10% રકમ પગારમાંથી કપાત કરી સંસ્થાએ પોતાના ફાળા તરીકે 14% આપવાના રહેશે તેવી નીતિ દાખલ કરેલી છે, આનો અમલ 1 માર્ચ 2024 થી કરવા પાત્ર થાય છે, અને તે પહેલા રાજ્ય સરકારના નાણા વિભાગની મંજૂરી મેળવવાનું પણ કહ્યું છે. આના લીધે કોર્પોરેશન પર વાર્ષિક પાંચ કરોડનો બોજો પડશે તેમ જાણવા મળ્યું છે.