વડોદરા,બે ટકા કમિશન લઇ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી આપી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફરનું ગેરકાયદે નેટવર્ક ચલાવતા ભેજાબાજે હાથીખાનામાં રહેતા યુવક અને તેના બનેવીના ૩૧.૧૬ લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરી હતી. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હાથીખાના કરમ બિલ્ડિંગમાં રહેતો સોએબઅલી સાકીરઅલી સૈયદ માર્કેેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મે અલગ – અલગ બેન્કના ૧૩ ક્રેડિટ કાર્ડ લીધા હતા.આસિફ નસરૃદ્દીન દિવાન (રહે. અલીયાશાબાહ મસ્જીદ, ચાંદ બેકરીની સામે, સરસીયા તળાવ રોડ) મને ક્રેડિટ કાર્ડથી બે ટકા કમિશન લઇને પેમેન્ટ કરી આપતો હતો. હું જ્યારે તેની પાસે પેમેન્ટ માટે જતો હતો. ત્યારે તે મારા ક્રેડિટ કાર્ડમાંથી થોડા પૈસા તેના આઇ.ડી.માં ટ્રાન્સફર કરી લેતો હતો. આસિફે મારા ક્રેડિટ કાર્ડથી તેના ઘરે લેપટોપ તથા ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીન પરથી તેના એકાઉન્ટમાં કુલ ૨૧,૪૩,૨૫૦ રૃપિયા, મારા ભાઇ વસીમઅલી પાસેથી ૨,૪૯,૦૩૫ તથા બનેવી સમીરૃદ્દીન શેખના ૭,૨૪,૫૫૯ રૃપિયા પડાવી લીધા હતી. આસિફે માર્ચ – ૨૦૨૪ થી નવેમ્બર – ૨૦૨૪ દરમિયાન અમારા ક્રેડિટ કાર્ડમાંથી કુલ ૩૧.૧૬ લાખ રૃપિયા પડાવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આસિફ સામે અગાઉ પણ આ રીતે છેતરપિંડી કરવાનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં તે હજી વોન્ટેડ છે. પોલીસનું કહેવું છે કે, તે ગુનામાંથી બચવા માટે આરોપી હાઇકોર્ટ ગયો હતો. પરંતુ, તેને રાહત મળી નહતી.