Surat : મેટ્રો સીટી તરફ દોડી રહેલા સુરતમાં શહેરીકરણની અસર હિન્દુ ધર્મના તહેવાર એવા શ્રાદ્ધ પક્ષમાં જોવા મળી રહી છે. એપાર્ટમેન્ટ જેવા બાંધકામ અને માળા ન બાંધી તેવા વૃક્ષોના કારણે કાગડા રહેણાંક વિસ્તારથી દૂર થયા છે જ્યારે રખડતા ઢોર સામે પાલિકાની કામગીરી આક્રમક બનતા ઘર આંગણે ગાય પણ જોવા મળતી નથી. આવી સ્થિતિમાં શ્રાદ્ધ પક્ષમાં ગાયને ખવડાવવા માટે ગૌશાળા અને કાગડા શોધવા તાપી નદીના બ્રિજ પર સુરતીઓ પહોંચીને શ્રાધ્ધનું વાસ મુકી રહ્યાં છે.
સુરતમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈને છ દિવસ થઈ ગયાં છે અને સુરતીઓ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે કાગવાસ તથા ગાય-કુતરાને વાસ મુકી રહ્યાં છે. શહેર મેટ્રો સીટી તરફ દોડી રહ્યું છે તેમ છતાં પિતૃઓની મરણ તિથિએ વાસ મુકવાની પરંપરા આજે પણ યતાવત છે. જોકે, પહેલા સુરતીઓ ઘરના છાપરા-ધાબા પર કાગ વાસ મુકતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સિમેન્ટ કોંક્રીટના જંગલો થઈ રહ્યું છે અને એપાર્ટમેન્ટ મોટી સંખ્યામાં બની ગયાં છે.
આવી જ રીતે પાલિકા વૃક્ષારોપણ તો કરે છે પરંતુ કાગડા કે અન્ય પશુઓ માળા બનાવી શકે તેવા વૃક્ષો ઘણા ઓછા હોય છે. જેના કારણે હવે ઘર નજીક કાગડો જોવા પણ મુશ્કેલ બની ગયાં છે. શ્રાદ્ધ પક્ષમાં સુરતીઓ પોતાના ઘરે દુધ-પુરી અને અન્ય ખોરાક બનાવીને પિતૃઓને તૃપ્ત કરવા માટે પહેલો વાસ કાગડાને બીજો કુતરાને અને ત્રીજો ગાયને એમ ત્રણ ભાગ પાડીને ખવડાવે છે અને ત્યારબાદ પોતે શ્રાધ્ધનું ખાવાનું ખાઈ છે. જોકે, સુરત શહેરમાં હાલમાં કુતરાને વાસ ખવડાવવા માટે તો સરળતાથી મળી રહે છે. પરંતુ હાલમાં સુરત પાલિકા દ્વારા ચાલતી રખડતા ઢોર પકડવાની કામગીરીના કારણે હવે ઘર નજીક ગાય ભાગ્યે જ જોવા મળે છે તેથી સુરતીઓએ આ શ્રાધ્ધના દિવસોમાં ગાયને શ્રાધ્ધનું ભોજન આપવા માટે ગૌશાળામાં જવું પડી રહ્યું છે.
આવી જ રીતે ઘર નજીક હવે કાગડા પણ જોવા મળતા નથી અને શહેરના તાપી નદીના બ્રિજ પર કાગડા મોટી સંખ્યામાં હોય છે તેથી લોકો કાગ વાસ માટે તાપી બ્રીજ પર પહોંચી કાગ વાસ મુકી રહ્યાં છે. જેના કારણે તાપી નદી પર બનેલા બ્રિજની પાળી પર હાલ દુધ પુરીના અનેક ડીશ કે દળીયા જોવા મળે છે. આમ સમયની સાથે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને વાસ મુકી રિઝવવા પોતાના ઘરથી દૂર જવું પડી રહ્યું છે.