– ગાડી, ડ્રગ્સ સહિત રૂા. 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત
– આણંદ અમૂલ ડેરી રોડ પરની સચ હોટેલમાંથી શખ્સ રૂા. 40 હજારના ડ્રગ્સ સાથે પકડાયો
આણંદ : પેટલાદ તાલુકાના નાર ગામના શખ્સને નશા કારક ૪ ગ્રામ એમફેટામાઇન ડ્રગ્સ સાથે આણંદના અમૂલ ડેરી રોડ ઉપર આવેલી હોટલના રૂમમાંથી આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડયો હતો.
પેટલાદ તાલુકાના નાર ગામે રહેતો પ્રતીકકુમાર ઉર્ફે ભાણો રોહિતભાઈ પટેલ એમડી ડ્રગ્સની હેરાફેરી કરે છે અને હાલ એક ગાડી લઈ આણંદની અમુલ ડેરી રોડ ઉપર આવેલી હોટલ સચના રૂમ નં.-૨૦૭માં જથ્થા સાથે રોકાયો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી. જેથી પોલીસે હોટલ સચની રૂમમાં છાપો મારી પ્રતીકકુમાર ઉર્ફે ભાણો રોહિતભાઈ પટેલને ઝડપી પાડયો હતો. પોલીસે રૂમ તથા તેની કાર તેમજ પ્રતીકકુમારની અંગ જડતી લેતા તેની પાસેથી ઝીપ લોક પાઉચમાં શંકાસ્પદ નશીલો માદક પદાર્થ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા આ માદક પદાર્થ એમફેટામાઇન માદક ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. જેનું વજન કરતા ૪.૦૦૦ ગ્રામ થયું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૦,૦૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ઝડપાયેલા શખ્સને આણંદ શહેર પોલીસના હવાલે કરતા આણંદ શહેર પોલીસે પ્રતિકુમાર ઉર્ફે ભાણો પટેલ વિરુદ્ધ ગુનો નોધી ડ્રગ્સ તથા ગાડી મળી કુલ રૂપિયા ૩.૬૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.