મુંબઈ તા.૧૨ : અમેરિકામાં નબળી રોજગાર બજાર અને ઓગસ્ટનો ફુગાવો અપેક્ષા પ્રમાણે જ આવતા ફેડરલ રિઝર્વ દ્વારા આવતા સપ્તાહે વ્યાજ દરમાં કપાત હવે નિશ્ચિત બની ગઈ છે જેને પરિણામે દરેક કિંમતી ધાતુમાં રોકાણકારોની લેવાલી નીકળતા સપ્તાહ અંતે વિશ્વબજારમાં સોનાચાંદીમાં એકધારી તેજી જળવાઈ રહી હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં નવા રેકોર્ડ જોવા મળ્યા છે. મુંબઈમાં ચાંદીના ભાવ જીએસટી સાથે રૂપિયા ૧,૩૦,૦૦૦ને વટાવી ગયા હતા. ક્રુડ તેલના ભાવમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૦૯,૭૦૮ રહ્યા હતા. ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૦૯,૨૬૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૮,૦૦૮ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ રૂપિયા ૧,૩૧,૦૦૦થી પણ વધુ મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનાચાંદી નવી ઊંચી સપાટીએ જોવાયા હતા. ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ ૧,૧૩,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ૧,૧૩,૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૨૯,૦૦૦ ઓલ ટાઈમ હાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૬૪૯ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૪૨.૧૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૪૦૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૧૮ ડોલર મુકાતુ હતું.
અમેરિકામાં ઓગસ્ટના રિટેલ ફુગાવાના આંક અપેક્ષા પ્રમાણે ૨.૯૦ ટકા આવતા અને બેરોજગારીના દાવા વધીને ચાર વર્ષની ટોચે પહોંચતા આવતા સપ્તાહે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં કપાત આવવાનું લગભગ નિશ્ચિત બનતા ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો અને કિંંમતી ધાતુમાં રેલી જોવા મળી હતી.
વર્તમાન સપ્તાહમાં સોનામાં ૯ ઓગસ્ટના ૩૯૭૩.૯૫ ડોલરની ઓલટાઈમ હાઈ પહોંચ્યા હતા. સોનામાં વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૪૦ ટકા વળતર પ્રાપ્ત થયાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ક્રુડ તેલમાં સપ્તાહ અંતે સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૪૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૬૦ ડોલર મુકાતુ હતું. રશિયા પર નવેસરથી પ્રતિબંધ બાબતે મિશ્ર અહેવાલો વચ્ચે ક્રુડ ઓઈલમાં સુધારો જોવા મળ્યો છે.